અરવલ્લી જિલ્લાના મોડાસાના ભવાનપુર વિસ્તારમાં 22 વર્ષીય પરપ્રાંતિય યુવતીએ નવો મોબાઈલ ફોન ન મળતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. સામાન્ય બોલાચાલી બાદ આવેશમાં આવીને યુવતીએ ભરેલા આ પગલાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મળતી માહિતી અનુસાર, મૂળ નેપાળનું એક દંપતી રોજગારીની શોધમાં મોડાસા આવ્યું હતું અને ભવાનપુર વિસ્તારમાં રહીને ચાઈનીઝની લારી ચલાવી પોતાનું ગુજરાન ચલાવતું હતું. 22 વર્ષીય ઉર્મિલા રીજાન નામની યુવતીએ તેના પતિ પાસે નવો મોબાઈલ ફોન લઈ આપવાની માંગ કરી હતી. આર્થિક પરિસ્થિતિ અથવા અન્ય કોઈ કારણોસર પતિએ હાલ મોબાઈલ લાવી આપવાની ના પાડતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ સામાન્ય વાત જોતજોતામાં ગૃહકલેશમાં ફેરવાઈ ગઈ હતી.

પતિ દ્વારા મોબાઈલ લાવી આપવાની સ્પષ્ટ ના પાડવામાં આવતા ઉર્મિલાબેન અત્યંત આવેશમાં આવી ગયા હતા. પતિ કામકાજમાં વ્યસ્ત હતો તે દરમિયાન ઉર્મિલાએ પોતાના રહેણાંક મકાનમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. આસપાસના લોકોને ઘટનાની જાણ થતા જ અફરાતફરી મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા જ મોડાસા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે.


