HomeArticleArticle : કુરુક્ષેત્ર થી મનક્ષેત્ર – જ્યારે દુનિયાનો શ્રેષ્ઠ યોદ્ધા હારી જાય!

Article : કુરુક્ષેત્ર થી મનક્ષેત્ર – જ્યારે દુનિયાનો શ્રેષ્ઠ યોદ્ધા હારી જાય!

આપણે સૌ જીવનમાં ક્યારેક ને ક્યારેક એવા મોરચે આવીને ઊભા રહીએ છીએ જ્યાં રસ્તો દેખાતો બંધ થઈ જાય છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પ્રથમ અધ્યાય ‘અર્જુનવિષાદ યોગ’ માત્ર એક પૌરાણિક યુદ્ધની શરૂઆત નથી, પણ એ દરેક વ્યક્તિના મનમાં ચાલતા કુરુક્ષેત્રનો અરીસો છે.
કલ્પના કરો, જે યોદ્ધાએ આખી જિંદગી માત્ર માછલીની આંખ વીંધવા માટે તપસ્યા કરી હોય, જેનું નામ સાંભળીને શત્રુઓના લોહી થીજી જતાં હોય, એ જ મહાબાહુ અર્જુન યુદ્ધના મેદાનમાં ધ્રૂજવા લાગે છે! આ કોઈ સામાન્ય ડર નહોતો, આ એ ક્ષણ હતી જ્યારે એક ‘પરફોર્મર’ તેના જ ઈમોશન્સના ચક્રવ્યૂહમાં ફસાઈ જાય છે. ગીતાની શરૂઆત કોઈ શ્લોક કે મંત્રથી નથી થતી, પણ એક પ્રશ્ન અને એક વ્યક્તિના ‘બ્રેકડાઉન’ થી થાય છે. આ એવા માણસની વાર્તા છે જેની પાસે શક્તિ છે, શ્રેષ્ઠ શસ્ત્રો છે અને સાક્ષાત્ ભગવાન શ્રીકૃષ્ણનો સાથ છે, છતાં તે અંદરથી ભાંગી પડે છે.
૧. અંધાપો માત્ર આંખનો નહીં, વિચારનો પણ હોય છે
ગીતાનો પ્રથમ શ્લોક રાજા ધૃતરાષ્ટ્ર બોલે છે”ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવઃ | મામકાઃ પાંડવાશ્ચૈવ કિમકુર્વત સંજય ||”* ધૃતરાષ્ટ્ર માત્ર આંખે અંધ નહોતા, તે ‘મોહ’ માં અંધ હતા. આ શ્લોકમાં તેમણે ‘મારા પુત્રો’ (મામકાઃ) અને ‘પાંડુના પુત્રો’ એમ કહીને ભેદરેખા દોરી દીધી. આ ‘મારું અને તારું’ એ જ દુનિયાના તમામ ક્લેશનું મૂળ છે. જ્યારે વ્યક્તિ પક્ષપાત કરે છે, ત્યારે તે વિવેક ગુમાવી બેસે છે. આજના સમયમાં પણ આપણો સ્વાર્થ અને ‘મારું-તારું’ કરવાની વૃત્તિ જ આપણને સાચું જોતા રોકે છે.
૨. વિષાદ: જ્યારે ‘એક્સપર્ટ’ પણ એક્ઝિટ શોધે!
અર્જુન કોઈ સામાન્ય માણસ નહોતો, તે એ સમયનો ‘સુપર હીરો’ હતો. પણ જે ક્ષણે તેણે રથ પરથી સામે પક્ષે પોતાના જ સંબંધીઓને જોયા, તેની બધી જ ટેલેન્ટ શૂન્ય થઈ ગઈ. તેનું શરીર ધ્રૂજવા લાગ્યું, મોઢું સુકાઈ ગયું અને તેનું પ્રખ્યાત ‘ગાંડીવ’ ધનુષ હાથમાંથી સરી પડ્યું.
જેમ એક સર્જન ડોક્ટર પોતાના જ સંતાનનું ઓપરેશન કરતી વખતે ધ્રૂજી જાય છે, તેમ અર્જુન પણ ઈમોશનલ બ્લેકમેલિંગનો શિકાર બન્યો. જ્યારે લાગણીઓ બુદ્ધિ પર હાવી થઈ જાય, ત્યારે માણસ લકવાગ્રસ્ત (Paralyzed) થઈ જાય છે. આ સ્થિતિ દર્શાવે છે કે બહારથી ગમે તેટલા સક્ષમ હોઈએ, જો મન કાચું પડે તો બધું જ વ્યર્થ છે.
૩. બહાનાબાજીનું બ્રહ્માંડ
અર્જુન યુદ્ધ ન લડવા માટે કૃષ્ણને લાંબી લચક દલીલો આપે છે “કૃષ્ણ, યુદ્ધથી કુળનો નાશ થશે, પાપ લાગશે, નરકમાં જવું પડશે.” આ સાચું જ્ઞાન નહોતું, આ અર્જુનનો ડર હતો. જ્યારે આપણે મહેનત નથી કરવી હોતી કે જોખમ નથી લેવું હોતું, ત્યારે આપણે ‘ફિલોસોફી’ અને ‘લોજિક’ પાછળ છુપાઈએ છીએ. ડરપોક માણસ હંમેશા પોતાની નબળાઈને ‘શાંતિ’ કે ‘સંસ્કાર’નું મહોરું પહેરાવે છે.
આજના જીવન માટે મનોબળ જ સાચું શસ્ત્ર છે જો રથ પર કૃષ્ણ (બુદ્ધિ) બેઠા હોય, તો પણ જો અર્જુન (મન) હારી જાય તો યુદ્ધ જીતી શકાતું નથી. સફળતા માટે માત્ર સાધનો પૂરતા નથી, તમારું મનોબળ મજબૂત હોવું જોઈએ.
મોહ એ વિવેકનો શત્રુ છેઅર્જુન લડવા માટે અસમર્થ નહોતો, પણ તે ‘સ્વજનો’ના મોહમાં ફસાયેલો હતો. સાચો પ્રેમ કર્તવ્ય નિભાવવામાં મદદ કરે, પાછળ ખેંચવામાં નહીં.
વિષાદ એ જ્ઞાનની શરૂઆત છે આ અધ્યાયનું નામ ‘અર્જુનવિષાદ યોગ’ છે. ગીતા આપણને શીખવે છે કે જ્યાં સુધી માણસનો અહંકાર અને તેની ખોટી દલીલો ભાંગીને ભૂકો ન થઈ જાય, ત્યાં સુધી પરમાત્માનું જ્ઞાન ઉતરવા માટે જગ્યા બનતી નથી. તમારું દુઃખ પણ જો તમને સત્ય તરફ લઈ જાય, તો તે ‘યોગ’ બની જાય છે.
તમે ક્યાં છો?
અધ્યાય ૧ ના અંતે અર્જુન રથના પાછળના ભાગમાં બેસી જાય છે અને હથિયારો મૂકી દે છે. ભગવાન શ્રીકૃષ્ણ આ આખા અધ્યાયમાં એક પણ શબ્દ બોલતા નથી. તેઓ માત્ર શાંતિથી અર્જુનને સાંભળે છે.
જો જીવનમાં અત્યારે અંધકાર છે, રસ્તો નથી મળતો અને તમે ભાંગી પડ્યા છો, તો ગભરાશો નહીં. તમે ગીતાના પ્રથમ અધ્યાયમાં છો. હવે તમારી બધી દલીલો બંધ થશે, ત્યારે જ કૃષ્ણનું જ્ઞાન શરૂ થશે. માર્ગદર્શન માટે પહેલા મૌન થવું અને સ્વીકારવું જરૂરી છે કે “હું મૂંઝાયેલો છું.”
શું તમે પણ ‘ગાંડીવ’ છોડીને બેસી ગયા છો?…
(ક્રમશ: આગામી અધ્યાય ૨ માં ભગવાન શ્રીકૃષ્ણનું મૌન તૂટશે અને અર્જુનને આત્માનું એવું જ્ઞાન મળશે જે તેને કાયરતામાંથી વીરતા તરફ લઈ જશે.)

દર્શના પટેલ (નેશનલ મેડાલિસ્ટ)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments