ગીતાનો બીજો અધ્યાય એ માત્ર જ્ઞાનનો સંગ્રહ નથી, પણ માનસિક સ્વાસ્થ્ય (Mental Health) નો સૌથી મોટો ગ્રંથ છે. પ્રથમ અધ્યાયના અંતે અર્જુન જે સ્થિતિમાં હતો, તેને આજની ભાષામાં આપણે ‘ગંભીર ડિપ્રેશન’ કે ‘પેનિક એટેક’ કહી શકીએ. હાથ ધ્રૂજવા, પરસેવો છૂટવો અને લડવાનો વિચાર સુધ્ધાં છોડી દેવો આ એક એવા માણસના લક્ષણો હતા જે પોતાની લડાઈ લડતા પહેલા જ હારી ગયો હતો.
અહીં ભગવાન શ્રીકૃષ્ણ વિશ્વના પ્રથમ અને સર્વશ્રેષ્ઠ ‘કાઉન્સેલર’ તરીકે પ્રગટ થાય છે. કૃષ્ણ જાણે છે કે અર્જુનને માત્ર મીઠી વાતોની નહીં, પણ સત્યના ઝટકાની જરૂર છે.
કૃષ્ણ અર્જુનને સીધો સવાલ કરે છે – “ક્લૈબ્યં મા સ્મ ગમઃ પાર્થ” (હે પાર્થ, આ નપુંસકતા તને શોભતી નથી). કૃષ્ણની કાઉન્સેલિંગ શૈલી અજોડ છે. તેઓ પહેલા અર્જુનને પૂરતો સાંભળે છે અને પછી તેની નબળાઈ પર પ્રહાર કરે છે જેથી તેનું આત્મસન્માન જાગે.
જીવન પાઠજેમ એક સર્જન ડોક્ટરપોતાના જ સંતાનનું ઓપરેશન કરતી વખતે ઈમોશનલ થઈને ધ્રૂજવા લાગે છે, તેમ અર્જુન પણ ઈમોશનલ બ્લેકમેલિંગનો શિકાર બન્યો હતો. કૃષ્ણ આપણને શીખવે છે કે ‘ડિપ્રેશન’ માંથી બહાર આવવાનો એક જ રસ્તો છે વાસ્તવિકતાનો સ્વીકાર અને કર્તવ્ય તરફનું પહેલું ડગલું.
હાર સ્વીકારી લેવી એ જ ખરી હાર છે, બાકી મેદાનમાં પછડાયા પછી ઊભા થવું એ જ વીરતા છે.
મૃત્યુનો ડર કે જીવનનો મોહ? કૃષ્ણએ તોડેલો અર્જુનનો ભ્રમ.
અર્જુન જે દલીલો કરતો હતો કે “હું મારા ગુરુઓ અને પિતામહને કેવી રીતે મારી શકું?”, તેની પાછળ હકીકતમાં અહિંસા નહોતી, પણ ‘મોહ’ હતો. આપણે જેને પ્રેમ સમજીએ છીએ તે ઘણીવાર આપણી આસક્તિ (Attachment) હોય છે. કૃષ્ણ અહીં આત્માની અમરતાનું ગૂઢ જ્ઞાન આપે છે. તે સમજાવે છે કે મૃત્યુ એ અંત નથી, માત્ર પરિવર્તન છે. “નૈનં છિન્દન્તિ શસ્ત્રાણી…” એટલે કે આત્માને શસ્ત્રો કાપી શકતા નથી, અગ્નિ બાળી શકતી નથી. તું જેનો શોક કરે છે તે શરીર તો જવાનું જ છે, પણ જે અંદરનું તત્વ છે તે સનાતન છે. જેમ આપણો ફોન બગડી જાય ત્યારે આપણે નવો ફોન લઈએ છીએ, પણ જૂના ફોનનો બધો ડેટા (Cloud) માં સચવાયેલો હોય છે અને તે નવા ફોનમાં ટ્રાન્સફર થઈ જાય છે, તેમ શરીર બદલાય છે પણ આત્મા અવિનાશી છે. અર્જુનનો ભ્રમ એ હતો કે ‘તે’ કોઈને મારી રહ્યો છે. જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે, તો પછી જે અનિવાર્ય છે તેનો શોક શા માટે? કૃષ્ણ આપણને શરીરના મોહથી ઉપર ઉઠીને આત્માના ગૌરવને ઓળખતા શીખવે છે.
શૂન્યમાંથી સર્જન: જ્યારે હારેલો યોદ્ધા ફરી ગાંડીવ ઉઠાવે છે.
બીજા અધ્યાયના અંત સુધીમાં અર્જુનની મનઃસ્થિતિ બદલાવા લાગે છે. કૃષ્ણ તેને ‘સ્થિતપ્રજ્ઞ’ ના લક્ષણો સમજાવે છે એવો માણસ જે સફળતામાં છકી જતો નથી અને નિષ્ફળતામાં તૂટી જતો નથી.ગીતાનો સૌથી મોટો મંત્ર છે “કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન”. અર્જુન પરિણામના ડરથી (શૂન્ય પર) બેસી ગયો હતો. કૃષ્ણ તેને સમજાવે છે કે જો તું પરિણામનો મોહ છોડીને માત્ર તારી ફરજ બજાવીશ, તો તારી શક્તિ અનેકાગણી વધી જશે.
જો બેટ્સમેન પીચ પર ઉભો રહીને સતત સ્કોરબોર્ડ જોયા કરે, તો તે આવતો બોલ ચૂકી જશે અને આઉટ થઈ જશે. તેણે માત્ર આવનારા ‘બોલ’ (વર્તમાન કર્મ) પર જ ધ્યાન આપવું જોઈએ.જે રીતે કાચબો પોતાની ઇન્દ્રિયોને જરૂર પડ્યે સંકેલી લે છે, તેમ જે માણસ સુખ-દુઃખમાં સમાન રહે છે તે જ સાચો વિજેતા છે. સોશિયલ મીડિયા પર કોઈ ‘લાઇક’ કરે તો બહુ ખુશ થવું અને કોઈ ‘ટીકા’ કરે તો ડિપ્રેશનમાં આવી જવું આ અસ્થિર મન છે.
ગાંડીવનો પુનઃસ્વીકાર: અર્જુનને સમજાય છે કે યુદ્ધ મેદાનમાં નથી, પણ મન અંદર છે. ‘ગાંડીવ’ ઉઠાવવું એ માત્ર લડાઈનું પ્રતીક નથી, પણ પોતાની જવાબદારીઓનો હિંમતપૂર્વક સ્વીકાર કરવાનું પ્રતીક છે. વિષાદમાંથી યોગ તરફ
અધ્યાય ૨ (સાંખ્ય યોગ) એ સાબિત કરે છે કે જો તમારી પાસે સાચું જ્ઞાન અને કૃષ્ણ જેવી સ્થિર બુદ્ધિ હોય, તો તમે કોઈ પણ માનસિક ગૂંચવણમાંથી બહાર આવી શકો છો. અર્જુન હવે લડવા માટે તૈયાર થવાની શરૂઆત કરે છે. જે ક્ષણે અર્જુને પોતાનો અહંકાર છોડીને કૃષ્ણને કહ્યું”શિષ્યસ્તેડહં શાધિ માં ત્વાં પ્રપન્નમ્” (હું તમારો શિષ્ય છું, મને શરણે લો), તે ક્ષણે તેના વિજયનો પાયો નખાઈ ગયો.
શું તમે પણ તમારા જીવનના ‘યુદ્ધ’ થી ભાગી રહ્યા છો?
યાદ રાખજો, કૃષ્ણ આજે પણ તમારી બુદ્ધિના રથ પર બેસીને કહી રહ્યા છે “ઊઠ, ધનુષ ઉઠાવ અને તારું કર્મ કર. બાકીનું હું જોઈ લઈશ!”
(ક્રમશ: આગામી અધ્યાય ૩ માં આપણે સમજીશું ‘કર્મયોગ’. માત્ર જ્ઞાન મેળવવાથી શું કામ પૂરું થઈ જાય છે? કૃષ્ણ આપણને શીખવશે કામ કરવાની સાચી અને શ્રેષ્ઠ રીત!)

દર્શના પટેલ (નેશનલ મેડાલિસ્ટ)


