E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeArticleArticle : નિષ્ફળતાના પથ્થર, સફળતાના સોપાન: એન્જિનિયરની સંઘર્ષથી સિદ્ધિ સુધીની સફર”

Article : નિષ્ફળતાના પથ્થર, સફળતાના સોપાન: એન્જિનિયરની સંઘર્ષથી સિદ્ધિ સુધીની સફર”

આજની ઝાકઝમાળ ભરેલી દુનિયામાં જ્યારે આપણે કોઈ સફળ વ્યક્તિને જોઈએ છીએ, ત્યારે આપણને માત્ર તેની સિદ્ધિઓનું ઝળહળતું શિખર દેખાય છે. પરંતુ એ શિખર નીચે દબાયેલી ‘સંઘર્ષની ભઠ્ઠી’ અને પાયામાં નખાયેલી ‘ગામડાની માટી’ ભાગ્યે જ કોઈને દેખાતી હોય છે. આ સફર એક એવા યુવાનની છે, જેણે ગાધકડાની સીમમાં બેસીને આસમાનને આંબવાના સપના જોયા અને પોતાની લોખંડી મહેનતથી તેને હકીકતમાં બદલી નાખ્યા.

ગામડું એટલે એવો વિસ્તાર જ્યાં સવાર એલાર્મથી નહીં, પણ પક્ષીઓના કલરવથી થાય છે. ત્યાં ઉછરેલા આ યુવાન માટે જિંદગી ક્યારેય ગુલાબની સેજ નહોતી. ગામમાં માત્ર ૧૦ ધોરણ સુધીનો જ અભ્યાસ હોવાથી આગળ ભણવા માટે દરરોજ ગાધકડાથી સાવરકુંડલા ૧૮ કિલોમીટર દૂર જવું પડતું. દિવસમાં માંડ ત્રણ બસો આવતી હોય અને જો કદાચ એ બસ ચૂકી જવાય, તો ધોમધખતા તાપમાં ૩ કિલોમીટર પગપાળા ચાલવું પડતું – આ એ વ્યવહારુ શિક્ષણ હતું જે દુનિયાની કોઈ મોંઘી સ્કૂલ ક્યારેય આપી શકતી નથી.

એન્જિનિયરિંગની ડિગ્રી મેળવ્યા પછી ખરી કસોટી તો નોકરીના મેદાનમાં શરૂ થઈ. સુરત જેવા અજાણ્યા શહેરમાં સંઘર્ષ કર્યા બાદ એક તબક્કે હિંમત હારીને ગામડે પરત ફરવું પડ્યું. લોકોના ટોણા અને સવાલોનું યુદ્ધ ઊંઘવા દેતું નહોતું. પણ કહેવાય છે ને કે, જે માટીમાં ઉછેર થયો હોય, એ માટી ક્યારેય હારતા નથી શીખવતી. મમ્મીની કડક ટકોરે ફરી બેઠા કર્યા અને ત્યારે મક્કમ ઈરાદા સાથે મેં કહેલું કે, “ભલે એન્જિનિયર થયો, પણ જો હવે સારી નોકરી નહીં મળે તો હું શહેરમાં જઈને ચોકીદાર થઈ જઈશ, પણ હવે હારીને મોઢું છુપાવવા ઘરે પાછો તો નહીં જ આવું!”

સમયનું ચક્ર ફર્યું અને ‘મધુરમ કન્સ્ટ્રક્શન’માં નોકરીની સફર શરૂ થઈ. અમરેલીના રસ્તાઓથી શરૂ થયેલી આ સફર આજે રાજકોટમાં સફળતાના ઉચ્ચ શિખરે પહોંચી છે. અહીં અનુભવાયું કે શિક્ષણ મેળવવું અને તેનો વ્યવહારમાં ઉપયોગ કરવો – આ બંને તદ્દન અલગ બાબતો છે. પુસ્તકીય જ્ઞાન પછી પ્રેક્ટિકલ અનુભવ મેળવવો એ જ સાચો સંઘર્ષ છે. શરૂઆતમાં ડામર સાઈટના ટેકનિકલ કામો હોય કે મોટા અધિકારીઓ સાથે સંવાદ – દરેક ડગલે મુશ્કેલીઓ પડી.

પરંતુ આ સફર શેઠના સાથ અને સહકાર વિના ક્યારેય શક્ય નહોતી. હું જ્યારે આવ્યો ત્યારે એક ‘કોરી પાટી’ જેવો હતો, છતાં તેમણે મારા પર અખૂટ વિશ્વાસ મૂકીને અત્યંત અઘરી અને જટિલ કામગીરીઓ સોંપી. એ વિશ્વાસને સાર્થક કરી સફળતાપૂર્વક કામ પાર પાડવું એ જ આજે મારી સાચી સિદ્ધિ છે. કંપનીના માલિકની હકારાત્મક દ્રષ્ટિ અને પોતાની કંઈક કરી છૂટવાની જિદ્દે મને એક નિષ્ણાત એન્જિનિયર બનાવી દીધો.

મારા જીવનનો એક જ મંત્ર રહ્યો છે: “મેદાનમાં હારેલો માણસ ફરી જીતી શકે છે, પણ મનથી હારેલો માણસ ક્યારેય જીતી શકતો નથી!” અત્યારે ભલે સૂર્ય આથમ્યો હોય, પણ સવાર તો મારી જ હશે એ મક્કમ વિશ્વાસ સાથે આજે હું સફળતાના આભને આંબી રહ્યો છું. યાદ રાખજો, ઇતિહાસ એ જ રચે છે જેના ઈરાદામાં લોખંડી મક્કમતા હોય અને જેના રગ-રગમાં પોતાની માટીનું ઋણ ચૂકવવાની જીદ હોય; નસીબ તો કાચ જેવું છે, પણ મહેનત તો પહાડ છે જે ગમે ત્યારે રસ્તો બદલી શકે છે!


લેખક – એન્જી. હાર્દિક ચંદારાણા,

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments