E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeArticle​Article : પપ્પા: એક અણવાંચ્યું પુસ્તક અને વણકહ્યો પ્રેમ

​Article : પપ્પા: એક અણવાંચ્યું પુસ્તક અને વણકહ્યો પ્રેમ

પપ્પા” – આ બે અક્ષરનો શબ્દ બોલતા જ હૈયામાં એક પ્રકારની સુરક્ષા અને ગંભીરતાનો અનુભવ થાય છે. સામાન્ય રીતે આપણે ત્યાં માતાના પ્રેમ પર અનેક કાવ્યો, નિબંધો અને પુસ્તકો લખાયાં છે, પણ પિતા વિશે લખતી વખતે કલમ હંમેશા થોડી અટકે છે. કદાચ એટલા માટે કે પિતાનો પ્રેમ દેખાડો નથી કરતો, એ તો ઘરના પાયાના પથ્થર જેવો હોય છે જે પોતે દટાઈને આખા ઘરની ઈમારતને સાચવી રાખે છે.


​પપ્પા એટલે શું? ખાલી એક નામ?
​ઘણીવાર આપણને લાગે છે કે પપ્પા એટલે ઘરની વ્યક્તિ જે સવારે કામ પર જાય અને સાંજે થાકીને ઘરે આવે. પપ્પા એટલે ખાલી એક નામ? પપ્પા એટલે ખાલી એક દેખાવ? પપ્પા એટલે ખાલી એક પદ? કે પછી પપ્પા એટલે ખાલી બાયોડેટામાં પિતાના ખાનામાં જોડવું પડતું એક નામ?
​ના… કદાચ જરાય નહીં.
​પપ્પા એટલે પરમેશ્વરના પુરાણો કરતાં પણ વધુ પ્રેક્ટિકલ અને પ્રેરણાદાયી પુસ્તક. આપણી સૌથી મોટી કરુણતા એ છે કે આપણે ભગવદ્ ગીતા, રામાયણ કે કુરાન વાંચવા માટે સમય કાઢીએ છીએ, પણ આપણી સામે સોફા પર બેઠેલા એ જીવતા જાગતા ‘પપ્પા’ નામના પુસ્તકને ક્યારેય વાંચવાની કોશિશ નથી કરતા. એમના ચહેરાની કરચલીઓમાં સંઘર્ષની કેટલી વાર્તાઓ છુપાયેલી છે, એમના ફાટેલા ગંજીમાં કેટલો ત્યાગ છુપાયેલો છે, એ વાંચવાની આપણી પાસે ફુરસદ નથી.
​પિતા: એક અઘોષિત ઈશ્વર
​આપણા સમાજમાં મા ને ઈશ્વરનો દરજ્જો આપવો સહેલો છે, કારણ કે માનો પ્રેમ વરસી જતો વરસાદ છે, જે દેખાય છે. પણ પિતાનો પ્રેમ એ જમીનની અંદર ઉતરી ગયેલા એ પાણી જેવો છે જે વૃક્ષને સુકાવા નથી દેતું, છતાં પોતે ક્યાંય દેખાતું નથી. પપ્પાએ ક્યારેય પોતાની જાતને કોઈ કેટેગરી માટે નોમિનેટ નથી કરી. એમણે ક્યારેય નથી કહ્યું કે “મેં તારા માટે આ કર્યું.”
​બાળપણમાં જ્યારે મમ્મી કહેતી, “ખબરદાર જો આમ કર્યું છે તો… આવવા દે તારા પપ્પાને, બધું જ કહી દઈશ!” ત્યારે એ નિર્દોષ પિતા અજાણતા જ બાળકની નજરમાં વિલન બની જતો. ઓફિસમાં કે ખેતરમાં આખો દિવસ પરસેવો પાડીને જે બાપ પોતાના સંતાનોના ભવિષ્ય માટે કમાતો હોય, એ જ બાપ ઘરે આવે ત્યારે બાળક એનાથી છેટું ભાગે છે. આ અંતર સમજાય છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે.
​નાની મુશ્કેલીમાં ‘મા’ અને મોટી આફતમાં ‘બાપ’
​ડૉ. નિમિત્ત ઓઝાની એક વાત અહીં ખૂબ પ્રસ્તુત છે. રસ્તા પર ચાલતા જો નાનો ઠેબું વાગે તો મોઢામાંથી “ઓ મા!” નીકળે છે, પણ જો અચાનક સામેથી ટ્રક આવતી દેખાય અને મોત નજર સામે હોય, ત્યારે કાળજાના ચીરા કરી નાખતી ચીસ નીકળે છે— “ઓ બાપ!” આ સાબિતી છે કે નાની તકલીફોમાં મા યાદ આવે, પણ જીવનની અઘરી અને જીવલેણ મુશ્કેલીઓમાં તો બાપ જ યાદ આવે છે. પિતા એ સુરક્ષાનું કવચ છે.
​પિતૃત્વ: એક ફુલ ટાઇમ નોકરી
​કોઈ પિતા કદાચ પાર્ટ ટાઈમ નોકરી કરતા હશે, પણ પિતૃત્વ તો એ ફુલ ટાઈમ જ નિભાવે છે. રાત્રે મોડે સુધી તમે ઘરે ન આવો ત્યાં સુધી હિંચકાનો ‘કિચૂડ કિચૂડ’ અવાજ એમના જાગતા હોવાની સાક્ષી પૂરે છે. એ કડક છે કારણ કે એ નથી ઈચ્છતા કે જે ખાડામાં એ પડ્યા હતા, ત્યાં તમે પણ પડો. એમના ‘બુદ્ધિના બજેટ’ માં હંમેશા સંતાનનો ફાયદો જ હોય છે.
​પપ્પા એટલે:
​મમ્મીના વ્હાલ ઉપર પહેરેલું કડકાઈનું મહોરું.
​આપણને કદી પડી ન જવા દેતો સાયકલની સીટ પાછળનો મજબૂત હાથ.
​ફેશન ન કરવા છતાં આપણા જીવનનો સૌથી મોટો ‘સ્ટાઈલ આઈકોન’.
​નિષ્કર્ષ
​ઘણીવાર પિતાની કિંમત ત્યારે સમજાય છે જ્યારે એ દીવાલ પર ટાંગેલો ફોટો બની જાય છે. પણ જો આજે એ તમારી સામે બેઠા હોય, એમના શ્વાસ ચાલતા હોય, તો અત્યારે જ આ લેખ પૂરો કરીને એમને એકવાર વળગી પડજો. કોઈ કારણ વગર, કોઈ સ્વાર્થ વગર. એમના ખરબચડા હાથમાં જે હૂંફ હશે, એ દુનિયાના કોઈ એસી રૂમમાં નહીં મળે.
​પપ્પા એટલે પપ્પા… આમ જુઓ તો કશું જ નહીં, અને જો સમજો તો બધું જ.
​લેખક :અશ્વિન ગોહિલ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments