HomeArticleArticle : "શ્રીકૃષ્ણ અને શિશુપાલ" ક્ષમા અને દંડનો અનોખો પ્રસંગ"૧૦૦ ભૂલોની ક્ષમા"...

Article : “શ્રીકૃષ્ણ અને શિશુપાલ” ક્ષમા અને દંડનો અનોખો પ્રસંગ”૧૦૦ ભૂલોની ક્ષમા” જ્યારે ધીરજ ન્યાયમાં બદલાઈ

શું આપણે આપણા રોજિંદા જીવનમાં આપણી ભૂલોની સંખ્યા ગણીએ છીએ?

શિશુપાલે ૧૦૦ ગાળો આપી ત્યાં સુધી તે સુરક્ષિત હતો, પણ ૧૦૧મી ગાળે તેનું મૃત્યુ થયું. જીવનમાં સંબંધો અને ક્ષમાનું મૂલ્ય ઘણું મોટું છે, પરંતુ જ્યારે આ ક્ષમા અહંકારનું પોષણ કરવા લાગે ત્યારે તે વિનાશની પૂર્વભૂમિકા બને છે. મહાભારતનો શિશુપાલ વધનો પ્રસંગ માત્ર એક પૌરાણિક કથા નથી, પણ માનવ મર્યાદા અને ઈશ્વરીય ન્યાય વચ્ચેના સંતુલનની સમજ છે. આ લેખ દ્વારા આપણે જાણીશું કે કેવી રીતે અતિશયતા (Excess) માણસના વિવેકને હણી લે છે અને અંતે તેને પતનના માર્ગે લઈ જાય છે.


૧. અદભૂત જન્મ અને આકાશવાણી
શિશુપાલ ચેદી દેશનો રાજા અને વસુદેવની બહેન શ્રુતશ્રવા (સાત્વતી)નો પુત્ર હતો. એટલે કે તે સંબંધમાં શ્રીકૃષ્ણનો ફોઈનો દીકરો ભાઈ હતો. તેના જન્મ સમયે તે સામાન્ય બાળક જેવો નહોતો.તેને ત્રણ આંખો અને ચાર હાથ હતા. આ જોઈ તેના માતા-પિતા ભયભીત થયા, પણ ત્યારે આકાશવાણી થઈ “જે વ્યક્તિના ખોળામાં બેસતા જ આ બાળકના વધારાના અંગો ખરી જશે, તે જ વ્યક્તિના હાથે તેનું મૃત્યુ થશે.”


જ્યારે શ્રીકૃષ્ણ તેને મળવા આવ્યા અને તેને ખોળામાં લીધો, ત્યારે તેના વધારાના અંગો અદ્રશ્ય થઈ ગયા. આ જાણીને શિશુપાલની માતાએ કૃષ્ણ પાસે વચન માંગ્યું કે તેઓ શિશુપાલના ગુનાઓ માફ કરે. ભગવાને વચન આપ્યું કે, “હું તેના ૧૦૦ અપરાધ (ગાળો) માફ કરીશ.”


૨. શિશુપાલ અને શ્રીકૃષ્ણ વચ્ચેનો વૈરભાવ
શિશુપાલ નાનપણથી જ શ્રીકૃષ્ણ પ્રત્યે દ્વેષ રાખતો હતો. તેનું મુખ્ય કારણ રુકિમણી હતાં. રુકિમણીના લગ્ન શિશુપાલ સાથે નક્કી થયા હતા, પરંતુ રુકિમણી શ્રીકૃષ્ણને પ્રેમ કરતા હતા. શ્રીકૃષ્ણ તેમનું હરણ કરી ગયા અને તેમની સાથે લગ્ન કર્યા, જે અપમાન શિશુપાલ ક્યારેય ભૂલી શક્યો નહીં.


૩. રાજસૂય યજ્ઞ: અંતની શરૂઆત
પાંડવોના રાજસૂય યજ્ઞમાં જ્યારે ભીષ્મ પિતામહના કહેવાથી શ્રીકૃષ્ણની પ્રથમ પૂજા (અગ્રપૂજા) કરવામાં આવી, ત્યારે શિશુપાલનો ક્રોધ ફાટી નીકળ્યો. તેણે આખી સભામાં શ્રીકૃષ્ણને “ગોવાળિયો” અને “કપટી” કહીને અપમાનિત કર્યા. તે ભીષ્મ અને પાંડવોને પણ કટુ વચનો કહેવા લાગ્યો. શ્રીકૃષ્ણ શાંતિથી તેની ગાળો ગણતા રહ્યા. જેવી ૧૦૧મી ગાળ બોલાઈ, ભગવાનનું વચન પૂરું થયું. તેમણે સુદર્શન ચક્ર છોડ્યું અને ભરી સભામાં શિશુપાલનો વધ કર્યો.વિચારવા જેવું શિશુપાલે ૧૦૦ ગાળો આપી ત્યાં સુધી તે સુરક્ષિત હતો, પણ ૧૦૧મી ગાળે તેનું મૃત્યુ થયું. શું આપણે આપણા રોજિંદા જીવનમાં આપણી ભૂલોની સંખ્યા ગણીએ છીએ? યાદ રાખજો, ઈશ્વરની ધીરજ અનંત છે, પણ અસીમ નથી!
શિશુપાલના જીવનમાંથી મળતો બોધ શ્રીકૃષ્ણએ ૧૦૦ ગાળો સુધી ધીરજ રાખી. આ દર્શાવે છે કે જ્ઞાની પુરુષ હંમેશા તકની રાહ જુએ છે અને મર્યાદા જાળવે છે.


લોહીનો સંબંધ પણ જો અધર્મનો સાથ આપે, તો તે દંડથી બચી શકતો નથી. શિશુપાલનો વધ એ તેના અહંકારનો વધ હતો. અહંકાર માણસને અંધ બનાવી દે છે, જેના કારણે તે ભગવાનને પણ ઓળખી શકતો નથી.શિશુપાલનું પાત્ર આપણને એ યાદ અપાવે છે કે ઈશ્વર દયાળુ છે અને આપણી ભૂલો માફ કરે છે, પરંતુ ‘અતિ સર્વત્ર વર્જયેત’ (અતિશયતાનો બધે ત્યાગ કરવો જોઈએ). જ્યારે ભૂલોની સંખ્યા મર્યાદા બહાર જાય, ત્યારે ન્યાય પણ એટલો જ કઠોર હોય છે.”પાપનો ઘડો ભરાય ત્યારે તે ફૂટે જ છે, પછી ભલે તેને પકડનાર હાથ ગમે તેટલા શક્તિશાળી કેમ ન હોય. “ક્ષમા કરે છે ઈશ્વર ત્યાં સુધી, જ્યાં સુધી વિવેક જીવે છે, પણ પાપનો ઘડો ભરાય ત્યારે, કાળ પણ હિસાબ લે છે. અહંકારમાં અંધ બની જેણે, કૃષ્ણને પણ ન ઓળખ્યા, એ શિશુપાલના અસ્તિત્વને,સુદર્શને ક્ષણમાં રોળ્યા.”

દર્શના પટેલ (નેશનલ મેડાલિસ્ટ)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments