HomeGujaratBanaskantha : અંબાજીના ચાચર ચોકમાં ‘અંબાજી ઉત્સવ’નો પ્રારંભ, વહીવટદાર અને અધિક...

Banaskantha : અંબાજીના ચાચર ચોકમાં ‘અંબાજી ઉત્સવ’નો પ્રારંભ, વહીવટદાર અને અધિક કલેક્ટરના હસ્તે મહોત્સવને ખુલ્લો મુકાયો

યાત્રાધામ અંબાજી ખાતે ચૈત્રી નવરાત્રિના પાવન અવસરે આયોજિત બે દિવસીય ‘અંબાજી ઉત્સવ’નો ભવ્ય અને આધ્યાત્મિક માહોલ વચ્ચે ઉત્સાહભેર પ્રારંભ થયો હતો.વિશ્વવિખ્યાત શક્તિપીઠ અંબાજી મંદિરના ચાચર ચોક ખાતે આ મહોત્સવને અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેક્ટર શ્રી કૌશિક મોદીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ ઉત્સવમાં મોટી સંખ્યામાં માઈભક્તો, યાત્રાળુઓ અને કલા પ્રેમીઓ ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર પરિસરમાં ભક્તિ અને સાંસ્કૃતિક ઊર્જાનો અનોખો માહોલ સર્જાયો હતો. ઉત્સવના પ્રથમ દિવસે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની સમૃદ્ધ રજૂઆત કરવામાં આવી હતી, જેમાં લોકસંગીત, ભક્તિ સંગીત, નૃત્ય અને હાસ્ય રસનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો.

સુપ્રસિદ્ધ સાહિત્યકાર માયાભાઈ આહીરે પોતાની આગવી અને મનોરંજક શૈલીમાં લોકસાહિત્ય અને હાસ્યરસની સરવાણી વહાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. ઈન્દિરાબેન શ્રીમાળીએ ભાવભીની ભક્તિ સંગીતની રજૂઆત કરી માઈ ભક્તોને આધ્યાત્મિક ભાવમાં લીન કર્યા હતા, જ્યારે સુશ્રી રમિંદર ખુરાનાએ ઓડીસી નૃત્યની કલાત્મક અભિવ્યક્તિ દ્વારા દર્શકોને મોહી લીધા હતા. કલ્પેશ દવે દ્વારા માતાજીની ભાવભીની સ્તુતિ રજૂ કરવામાં આવી હતી અને નૃત્યેશ્વરી કલાવૃંદ દ્વારા રાસ મહોત્સવની રંગત જમાવી દર્શકોમાં નવરાત્રિની પરંપરાગત આનંદમય લાગણી પ્રગટાવી હતી.

આ પ્રસંગે અંબાજી વહીવટદાર કૌશિક મોદીએ જણાવ્યું હતું કે, ચૈત્રી નવરાત્રિના આ પાવન અવસરે માઈભક્તોમાં ભક્તિ, સાંસ્કૃતિક જાગૃતિ અને પરંપરાગત મૂલ્યોનો પ્રસાર થાય તે હેતુથી આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અંબાજી યાત્રાધામની ઓળખ વધુ મજબૂત બને છે. તેમણે જણાવ્યું કે, ઉત્સવના બીજા દિવસે પણ લોક ગાયકો, ભજન મંડળો અને વિવિધ કલાવૃંદો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોની રંગત જામવાની છે. સાથે સાથે ભક્તિમય વાતાવરણમાં માઈભક્તો માતાજીના દર્શન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનો આનંદ માણી શકશે. આ બે દિવસીય ‘અંબાજી ઉત્સવ’ ભક્તિ, સંસ્કૃતિ અને લોક કલાકૃતિઓનો અનોખો સંગમ બની યાત્રાળુઓ માટે યાદગાર અનુભવ બની રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments