E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratBanaskantha : થરાદ ચાર રસ્તા ઉપર ગૌમાતાની પ્રતિમા આવનારી પેઢીમાં સંસ્કાર રોપતી...

Banaskantha : થરાદ ચાર રસ્તા ઉપર ગૌમાતાની પ્રતિમા આવનારી પેઢીમાં સંસ્કાર રોપતી પવિત્ર પહેલ

થરાદ શહેરના હાર્દ સમાન ચાર રસ્તા ઉપર ગૌમાતાની પ્રતિમા સ્થાપિત કરવાની પહેલ માત્ર એક વિકાસ કાર્ય નથી, પરંતુ આવનારી પેઢીઓમાં સંસ્કાર, શ્રદ્ધા અને સેવા ભાવના રોપવાની પવિત્ર પ્રતિજ્ઞા છે, એમ વિધાનસભાના અધ્યક્ષ તથા થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું.


બનાસકાંઠા જિલ્લામાંથી અલગ થઈ વાવ–થરાદ નવા જિલ્લાની રચના થયા બાદ જિલ્લામાં વિકાસકાર્યોને નવી ગતિ મળી છે. જિલ્લાના વડા મથક તરીકે થરાદ શહેરને એક અલગ ઓળખ મળે તે માટે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સતત રાત-દિવસ વિકાસકાર્યો અંગે ચિંતા અને આયોજન કરી રહ્યા છે.
થરાદ શહેરમાં દુધશીત કેન્દ્રથી પાણીના ટાંકા સુધીનો ફોરલાઈન રોડ તેમના સતત પ્રયાસોથી પૂર્ણ થતા શહેરની શોભામાં નોંધપાત્ર વધારો થયો છે. તે જ કડીમાં શહેરના મુખ્ય ચાર રસ્તા ઉપર આવેલ સર્કલને વધુ આકર્ષક, શ્રદ્ધામય અને ઓળખરૂપ બનાવવાની ભાવનાથી ગૌમાતાની પ્રતિમા મૂકવાનો વિચાર પ્રગટ થયો હતો.
આ મુદ્દે થરાદ તાલુકાના ગૌભક્તો, ગૌશાળા સંચાલકો, પાંજરાપોળના ટ્રસ્ટીઓ તેમજ સંતો-મહંતોએ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા વાવ–થરાદ જિલ્લાના કલેક્ટર જે.એસ. પ્રજાપતિનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે રજૂઆત કરી હતી કે શહેરના હાર્દ સમાન સર્કલ ઉપર ગૌમાતાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે તો દરેક ધર્મપ્રેમી જનતામાં શ્રદ્ધા, સંયમ અને સેવા ભાવના વિકસશે.
વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા કલેક્ટર શ્રી જે.એસ. પ્રજાપતિના સૂચન અનુસાર, થરાદ તાલુકાના ગૌભક્તો, ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકો દ્વારા પોતાના ખર્ચે વિશાળ ગૌમાતાની પ્રતિમા તથા સુંદર બગીચાનું નિર્માણ કરવામાં આવશે. આ સર્કલને ભવિષ્યમાં “ગૌમાતા સર્કલ” તરીકે ઓળખ મળશે, જે થરાદ શહેરને એક નવી અને અનોખી ઓળખ આપશે.
ગૌસંસદ રામભાઈ પરમારે જણાવ્યું હતું કે સર્કલ ઉપર ગૌમાતાની પ્રતિમા દરેક ધર્મપ્રેમી જનતાને શ્રદ્ધા, સંયમ અને સેવા તરફ પ્રેરણા આપશે. તેમણે આ કાર્યને આગળ ધપાવવા માટે તમામ ગૌભક્તો, ગૌશાળા સંચાલકો અને પાંજરાપોળના ટ્રસ્ટીઓના સહકાર માટે આહ્વાન કર્યું હતું.
આ સમગ્ર પહેલથી થરાદ શહેર અલગ રીતે વિકસિત થશે અને સમગ્ર ગુજરાતમાં વાવ–થરાદ જિલ્લો વિકાસકાર્યોમાં આગવું સ્થાન મેળવે તે દિશામાં વહીવટી તંત્ર અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સતત કાર્યરત છે.

અહેવાલ : પ્રધાનજી ઠાકોર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments