મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાની વડીલસહજ વાત્સલ્યતા અને માનવીય સંવેદનશીલતાનો પરિચય અવારનવાર આપતા રહ્યા છે. તેમનો આવો જ એક લાગણીસભર પ્રસંગ બનાસકાંઠા જિલ્લાના પી.એમ. ઉત્તમપુરા (ડાંગીયા) અનુપમ પ્રાથમિક શાળામાં જોવા મળ્યો.
ગત્ વર્ષે યોજાયેલ સ્કુલ વ્યવસ્થાપન કમિટીના એક વ્મવીડિયો સંવાદ દરમિયાન ધોરણ–૧માં અભ્યાસ કરતી દીકરી સામ્યા પ્રજાપતિએ સહજતા સાથે મુખ્યમંત્રીને પૂછ્યું હતું, “દાદા, તમે અમારી સ્કૂલમાં ક્યારે આવશો?”આ નિર્દોષ પ્રશ્ન પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડીલસહજ લાગણીસભર જવાબ આપતાં કહ્યું હતું, “હું જ્યારે ત્યાં આવીશ ત્યારે ચોક્કસ તને મળવા આવીશ.”

આજ રોજ મુખ્યમંત્રીએ દીકરી સામ્યાની લાગણીને માન આપી, અગાઉ આપેલા વચનને પૂર્ણ કરવા પી.એમ.શ્રી ઉત્તમપુરા (ડાંગીયા) અનુપમ પ્રાથમિક શાળાની રૂબરૂ મુલાકાત લીધી. મુખ્યમંત્રીશ્રીએ શાળાના વિદ્યાર્થીઓ સાથે આત્મીય સંવાદ સાધી તેમના અભ્યાસ, શાળા પરિસર અને શિક્ષણ વ્યવસ્થાની માહિતી મેળવી.આ પ્રસંગે દીકરી સામ્યાએ પોતાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું કે,“મેં દાદાને કહ્યું હતું કે તમે અમને મળવા આવશો ને… દાદાએ વાત યાદ રાખી અને આજે મારું અને મારી સ્કૂલનું સપનું પૂરું કર્યું.”સામ્યાએ મુખ્યમંત્રી સામે શ્લોક પાઠ કર્યા, જેના પ્રતિસાદરૂપે મુખ્યમંત્રીશ્રીએ દીકરીને આશીર્વાદ આપતાં કહ્યું, “તું ભણીને મોટી થઈને કલેક્ટર બનજે અને પછી મને મળવા આવજે.”
દીકરી સામ્યાએ પણ દ્રઢ વિશ્વાસ સાથે દાદાને વચન આપ્યું કે, “હું મોટી થઈને તમને ચોક્કસ મળવા આવીશ.”મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આ સહજતા અને માનવીય સંવેદનશીલતાથી શાળા પરિવાર તેમજ રાજ્યભરના એસ.એમ.સી. સભ્યોમાં પણ વિશેષ આનંદની લાગણી પ્રસરી ગઈ. આ ભાવનાત્મક પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળી, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


