બનાસકાંઠાના વડગામ તાલુકામાં નર્મદાના પાણી પહોંચતા ખેડૂતોમાં એક તરફ ખુશીનો માહોલ છે, તો બીજી તરફ અનેક ગામડાઓમાં હજુ પણ તળાવો સૂકા ભટ્ટ રહેતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. વર્ષોથી પાણીની ગંભીર સમસ્યા ભોગવી રહેલા વડગામ અને પાલનપુર તાલુકાના 100થી વધુ ગામડાઓમાં તળાવો ભરવા માટે સરકાર દ્વારા પાઇપલાઇન યોજના શરૂ કરવામાં આવી છે. અનેક ગામડાઓમાં નર્મદાના નીર પહોંચ્યા છે, પરંતુ હજુ પણ કેટલાક ગામડાઓમાં પાઇપલાઇન ન આવતાં ખેડૂતોને પાણી માટે રાહ જોવી પડી રહી છે

વર્ષોથી વડગામ તાલુકાના અનેક ગામડાઓમાં સિંચાઈ અને પીવાના પાણીની ગંભીર સમસ્યા હતી. શિયાળુ અને ઉનાળુ ખેતી કરી શકતા ન હોવાથી ખેડૂતો માત્ર ચોમાસા પર નિર્ભર હતા. અનેક રજૂઆતો બાદ હવે સરકાર દ્વારા પાઇપલાઇન મારફતે તળાવો ભરવાની મંજૂરી આપવામાં આવી છે. જેના પરિણામે તાલુકાના અનેક ગામડાઓમાં તળાવો ભરાયા છે અને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે વડગામ તાલુકાના વરસડા ગામ સહિત આજુબાજુના ગામમાં નર્મદાના નિર્ પહોંચ્યા છે અને ગામ લોકોએ તેના વધામણા પણ કર્યા છે સૂકા ભટ્ટ વિસ્તારમાં નર્મદાના પાણી આવતા ખુશીનો માહોલ છે
વડગામ તાલુકાના ભરકાવાડા, શેરપુરા, ચંગવાડા, કાણોદર અને ચાંગા સહિતના ગામડાઓમાં હજુ સુધી પાઇપલાઇન માટે ન તો સર્વે કરવામાં આવ્યો છે અને ન તો કોઈ કામગીરી શરૂ થઈ છે. જેના કારણે આ ગામડાઓના તળાવો આજે પણ ખાલી જોવા મળી રહ્યા છે. પાણીના અભાવે ખેડૂતોને ખેતી અને પશુપાલન બંને માટે મુશ્કેલી ઊભી થવાની ચિંતા સતાવી રહી છે.
પાણીની માંગને લઈને ભરકાવાડા ગામે ખેડૂતો ગ્રામ પંચાયત સામે એકઠા થયા હતા અને નર્મદાના નીર આપો ના નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે જો બાકી રહેલા તળાવો તાત્કાલિક નહીં ભરવામાં આવે તો આવનારા સમયમાં પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ શકે છે.એક તરફ નર્મદાના નીરથી વડગામ તાલુકાના અનેક ગામડાઓમાં ખુશીનો માહોલ છે તો બીજી તરફ હજુ પણ બાકી રહેલા ગામડાઓના ખેડૂતોમાં ચિંતા અને નારાજગી જોવા મળી રહી છે
પ્રતિનિધિ : દિપક પુરબીયા


