અમદાવાદ-મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેનના રૂટ પર ભરૂચ નજીક 100 મીટર લાંબો સ્ટીલનો બ્રિજ તૈયાર કરી દેવામાં આવ્યો છે. લગભગ 1400 મેટ્રિક ટન વજનવાળો આ પુલ 14.6 મીટર ઊંચો અને 14.3 મીટર પહોળો છે. તેને ટ્રિચી ખાતેના વર્કશોપમાં તૈયાર કરવામાં આવ્યો છે અને ખાસ ડિઝાઇન કરાયેલા ટ્રેલરો દ્વારા સાઇટ સુધી પહોંચાડવામાં આવ્યો છે. આ પુલને 84 મીટર લાંબા લોન્ચિંગ નોઝનો ઉપયોગ કરીને લોન્ચ કરવામાં આવ્યો છે, જેનું વજન લગભગ 600 મેટ્રિક ટન છે. પુલના નિર્માણમાં અંદાજે 55,300 જેટલા ટોર-શીયર પ્રકારના હાઇ સ્ટ્રેન્થ બોલ્ટ્સ (ટી.ટી.એચ.એસ) નો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેને સી-5 પધ્ધતિથી પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે અને એલાસ્ટોમેરિક બેરિંગ્સ 100 વર્ષના આયુષ્ય માટે ડિઝાઇન કરવામાં આવેલ છે. આ પુલનું એસેમ્બ્લી કાર્ય સ્થળ ઉપર જમીનથી 18 મીટર ઊંચાઇએ તાત્કાલિક ટ્રેસલ્સ પર કરવામાં આવ્યું હતું અને તેને 2 અર્ધ-સ્વચાલિત જેક્સની આપમેળે કાર્ય કરતી પદ્ધતિ વડે ખેંચવામાં આવ્યો હતો, જેમાં દરેક જેકની ક્ષમતા 250 ટન હતી.
રિપોર્ટર : કેતન મહેતા, ભરૂચ