ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા-રાયસિંગપુરા પાટિયા પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રાજપીપળા-અંકલેશ્વર રોડ પર પુરઝડપે દોડતી એક KTM મોટરસાયકલે રોડ પર ચાલતા જઈ રહેલા વૃદ્ધને જોરદાર ટક્કર મારતા તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.મળતી માહિતી મુજબ, ઉમલ્લાના દુવાઘપુરા ગામે રહેતા પુનિયાભાઇ મોહનભાઇ વસાવા (ઉં.વ. આશરે 60) આજે સવારે રાયસિંગપુરા પાટિયા નજીક પગપાળા જઈ રહ્યા હતા. તે દરમિયાન GJ-22-R-0209 નંબરની KTM મોટરસાયકલના ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી પુનિયાભાઇને જોરદાર અડફેટે લીધા હતા. ટક્કર એટલી ભીષણ હતી કે વૃદ્ધને બંને પગે ગંભીર ફ્રેક્ચર અને માથાના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચી હતી. ગંભીર ઈજાઓને કારણે પુનિયાભાઇનું ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.

અકસ્માત બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા, પરંતુ બાઇક ચાલક સ્થળ પરથી રાજપારડી તરફ નાસી છૂટ્યો હતો. મૃતકને તાત્કાલિક ઉમલ્લા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં જ મૃતકની પુત્રી સુમિત્રાબેન સહિતના પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા અને શોકમગ્ન વાતાવરણ છવાઈ ગયું હતુબનાવ અંગે ઉમલ્લા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને પ્રાથમિક તપાસમાં સીસીટીવી ફૂટેજ પ્રાપ્ત થયા છે, જેના આધારે ફરાર KTM બાઇક ચાલકને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.


