પટનામાં નિમણૂંક પત્ર આપતી વખતે મુખ્યમંત્રીના કથિત ગેરવર્તણૂકનો વીડિયો વાયરલ થતા ભરૂચમાં આક્રોશ; લઘુમતી સમાજે સૂત્રોચ્ચાર કરી નીતિશ કુમારના કૃત્યને વખોડી કાઢ્યું
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા એક સરકારી કાર્યક્રમ દરમિયાન મુસ્લિમ મહિલા ડોક્ટરનો હિજાબ ખેંચવાના કથિત કૃત્યના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ ઘટનાના વિરોધમાં ગતરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ લઘુમતી સેલ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓએ કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ઘટનાની વિગતો મુજબ, પટનામાં આયુષ ડોક્ટરોને નિમણૂંક પત્રો એનાયત કરવાના કાર્યક્રમમાં સ્ટેજ પર આવેલી એક મુસ્લિમ મહિલા ડોક્ટરનો હિજાબ મુખ્યમંત્રી નીતિશ કુમારે જાતે ખેંચીને ચહેરા પરથી હટાવ્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે. ભરૂચ કોંગ્રેસ લઘુમતી સેલના અગ્રણીઓએ આ ઘટનાને મહિલાના સન્માન અને ધાર્મિક સ્વતંત્રતા પર તરાપ ગણાવી છે.

ભરૂચ કલેક્ટર કચેરી ખાતે લઘુમતી સેલના કાર્યકરોએ નીતિશ કુમાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે, એક જવાબદાર પદ પર બેઠેલા મુખ્યમંત્રીનું આવું વર્તન અશોભનીય છે. કોંગ્રેસે આ મામલે બિહારના મુખ્યમંત્રી પાસે નૈતિકતાના આધારે રાજીનામાની માંગ કરી છે. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં લઘુમતી સમાજના આગેવાનો અને કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા.


