ભરૂચ શહેરમાં વકરી રહેલી ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગતરોજ આક્રમક મૂડમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ભરૂચ નગરપાલિકા, બૌડા (BAUDA) અને પ્રાંત કચેરીની સંયુક્ત ટીમે શહેરના મુખ્ય બાયપાસ માર્ગ પર ત્રાટકી ગેરકાયદેસર ઉભા કરાયેલા દબાણો દૂર કર્યા હતા.
જંબુસર બાયપાસથી મહંમદપુરા સુધીના માર્ગ પર પડેલા દબાણોને કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. જેસીબી અને ટ્રેક્ટર સાથે પહોંચેલી દબાણ શાખાની ટીમે રસ્તા નડતરરૂપ કાચા અને પાકા બાંધકામો તેમજ લારી-ગલ્લાઓના દબાણો હટાવતા વેપારીઓમાં દોડધામ મચી ગઈ હતી. કેટલાક દબાણકારોને આગામી બે દિવસમાં જાતે જ દબાણો ખાલી કરી દેવા કડક સૂચના આપવામાં આવી છે.

આ કાર્યવાહી દરમિયાન અસરગ્રસ્ત વેપારીઓએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, વારંવાર લારી-ગલ્લા હટાવાતા હોવાથી તેમની રોજીરોટી પર અસર પડે છે. વેપારીઓએ વહીવટી તંત્ર પાસે માંગણી કરી છે કે તેમને રોડની સાઈડમાં કોઈ નિર્ધારિત જગ્યા ફાળવવામાં આવે, જેના બદલામાં તેઓ દૈનિક કે માસિક ભાડું ચૂકવવા પણ તૈયાર છે.
આ સમગ્ર કામગીરી દરમિયાન પ્રાંત અધિકારી મનીષા મનાણી, નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ સહિતના ઉચ્ચ અધિકારીઓ કાફલા સાથે સ્થળ પર હાજર રહ્યા હતા.


