જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાની આગેવાનીમાં રેલવે સ્ટેશન પાસે ઉગ્ર પ્રદર્શન; કોંગ્રેસે આક્ષેપ કર્યો- ‘યોજનામાં ભ્રષ્ટાચાર કરનારા ભાજપ નેતાઓને બચાવવા નામ બદલવાનો ખેલ.’
કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજનાનું નામ બદલીને ‘VB-G RAM G’ કરવાની દરખાસ્ત સામે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગતરોજ આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાની આગેવાની હેઠળ કોંગ્રેસના કાર્યકરોએ રેલવે સ્ટેશન વિસ્તારમાં એકઠા થઈને કેન્દ્ર સરકારના આ નિર્ણયને ગાંધીજીના અપમાન સમાન ગણાવી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.

કાર્યક્રમની શરૂઆત ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ કોંગી કાર્યકરોએ હાથમાં બેનરો અને પ્લેકાર્ડ્સ લઈ ‘ગાંધીજીનું નામ હટાવવાનું બંધ કરો’ ના નારા લગાવતા વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ આક્ષેપ કર્યો હતો કે, “મનરેગા યોજનામાંથી મહાત્મા ગાંધીનું નામ દૂર કરવું એ પાયાની લોકશાહી અને ગ્રામ પંચાયતોના અધિકારો નબળા પાડવાનું કાવતરું છે. આ યોજનાના ભ્રષ્ટાચારમાં ભાજપના જ કેટલાક નેતાઓ સંડોવાયેલા છે, જેમને બચાવવા માટે નામ બદલવાની દરખાસ્ત લાવવામાં આવી છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જો આ નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે તો કોંગ્રેસ આંદોલનને વધુ તેજ બનાવશે.
આ વિરોધ પ્રદર્શનમાં શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, વિપક્ષ નેતા સમસાદઅલી સૈયદ, નાઝુ ફડવાલા, શેરખાન પઠાણ, જ્યોતિ તડવી સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.


