ફિલ્મસર્જક અને કોરીયોગ્રાફર ફરાહ ખાને તેના ચાહકોને ઉત્સાહિત કરતા પુષ્ટી કરી છે કે તે ફિલ્મ દિગ્દર્શન સાથે પુનરાગમનની તૈયારી કરી રહી છે. પોતાના નિખાલસ અને મનોરંજક યુ ટયુબ વ્લોગ સાથે તે લોકપ્રિય હોવા છતાં તેના અનેક ચાહકો સિનેમામાં તેની વાપસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફરાહે તાજેતરમાં આ અપેક્ષાઓનો જવાબ આપતા કહ્યું કે કેમેરાની પાછળ આવવાનો હવે ખરો સમય છે.

કલાકાર નકુલ મહેતાના મુંબઈ સ્થિત ઘરે રેકોર્ડ કરેલા પોતાના તાજેતરના વ્લોગમાં ફરાહે જણાવ્યું કે આ વર્ષના અંત સુધીમાં તે પોતાનો દિગ્દર્શક તરીકેનો પ્રોજેક્ટ શરૂ કરી દેશે. ઓનલાઈન પીટીશન ‘વાપસ આઓ ફરાહ ખાન’નો રમૂજ સાથે જવાબ આપતા ફરાહે સ્પષ્ટતા કરી કે તેના સંતાનો હવે ટૂંક સમયમાં કોલેજ જતા થવાના હોવાથી તે ફરી ફિલ્મસર્જન પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરવા તૈયાર થઈ છે.


