બોટાદ જિલ્લાના સાળંગપુર ગામ તા.બરવાળા ખાતે આવેલ કષ્ટભંજનદેવ હનુમાનજીનું મંદિર શ્રધ્ધાળુઓની આસ્થાનું મોટુ કેન્દ્ર છે. જ્યાં દર્શનાર્થે ખુબ મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ,યાત્રીકો તથા મહાનુભવો પધારે છે.
સાળંગપુર ગામ ખાતે કષ્ટભંજન મંદિરની પાછળ આવેલાં કષ્ટભંજન કિરાણા સ્ટોર થી દરબાર ગઢ તરફનાં સમગ્ર જાહેર રસ્તા ઉપર તથા બોટાદ જવાના રસ્તે આવેલ સાળંગપુર ટી પોઈન્ટથી કષ્ટભંજન હનુમાનજી મંદિરના મેઈન દરવાજા સુધીના માર્ગ ઉપર ફેરિયાઓ, લારી-ગલ્લા કે અન-અધિકૃત રીતે મુકવામાં આવતા આનંદ-પ્રમોદની રાઇડ્સ અથવા ખાનપાનની લારીઓ, પાથરણાઓ રાખવા તથા દબાણકારો દ્વારા દબાણ કરી યાત્રીકોને અવરજવરમાં અવરોધ ઉભો કરવામાં આવે છે.

દર્શનાર્થે આવતાં શ્રધ્ધાળુઓની સલામતી/સુરક્ષા જળવાય તથા કાયદો અને વ્યવસ્થાને ધ્યાને લઈ યોગ્ય રીતે વ્યવસ્થા જાળવી શકાય તથા મંદિર પરિસર તથા જાહેર રસ્તા ઉપર ભાગદોડ જેવી ઘટના ન બને તે હેતુસર ઉપરોક્ત ફેરીયા, લારી-ગલ્લા કે અન-અધિકૃત રીતે મુકવામાં આવતાં સાધનોની બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી પી.એલ ઝણકાત દ્વારા મનાઈ ફરમાવવામાં આવી છે. જે અંતર્ગત કષ્ટભંજન મંદિરની પાછળ આવેલ કષ્ટભંજન કિરાણા સ્ટોર થી દરબાર ગઢ સુધીનાં જાહેર ૨સ્તા ઉપર ફેરીયા, લારી-ગલ્લા કે અન-અધિકૃત રીતે મુકવામાં આવતાં આનંદપ્રમોદની અથવા ખાનપાનની લારીઓ, પાથરણાઓ રાખવાની મનાઈ ફરમાવવામાં આવી છે.
આ જાહેરનામું તા.૨૩/૦૩/૨૦૨૬થી તા.૨૨/૦૫/૨૦૨૬ (૨-માસ બંને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ – ૧૯૫૧ ની કલમ – ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે. જાહેરનામાનો અમલ અને તેનાં ભંગ બદલના પગલા લેવા માટે હેડ કોન્સટેબલથી નીચેનાં ન હોય તેવા ફરજ પરનાં પોલીસ અધિકારીને અધિકાર રહેશે.


