બ્રુસેલ્સ મોટર શોમાં હ્યુન્ડાઈએ પોતાની અત્યાધુનિક ઈલેક્ટ્રિક કાર રજૂ કરી ઓટો જગતમાં ખળભળાટ મચાવી દીધો છે.
હ્યુન્ડાઈ મોટર કંપનીએ 2026 બ્રુસેલ્સ મોટર શોમાં પોતાની મોસ્ટ અવેટેડ ‘સ્ટારિયા ઈલેક્ટ્રિક’ (Staria Electric) MPV પરથી પડદો ઉચક્યો છે. આ લક્ઝુરિયસ ઈલેક્ટ્રિક કાર 2026ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં કોરિયા અને યુરોપના બજારોમાં લોન્ચ કરવામાં આવશે. ભારતની વાત કરીએ તો, કંપનીએ ઓટો એક્પો 2025માં તેનું ICE મોડલ રજૂ કર્યું હતું, પરંતુ પ્રીમિયમ MPVની વધતી માંગને જોતા ભવિષ્યમાં તેનું ઈલેક્ટ્રિક વેરિઅન્ટ ભારત આવે તેવી પ્રબળ શક્યતા છે.
સ્ટારિયા ઈલેક્ટ્રિકને ‘ઈનસાઈડ આઉટ’ ડિઝાઈન ફિલોસોફી પર તૈયાર કરવામાં આવી છે. તેનું એરોડાયનેમિક લુક, લાંબી બોડી, મોટી વિન્ડો અને ફ્રન્ટમાં લાગેલી આકર્ષક લાઈટ સ્ટ્રીપ તેને રોડ પર અન્ય કાર કરતા અલગ પાડે છે. તેમાં વિશાળ સ્લાઈડિંગ ડોર્સ અને મોટું રિયર હેચ આપવામાં આવ્યું છે, જે સુવિધાની સાથે શાનદાર લુક પણ આપે છે.

કારના ઈન્ટિરિયરમાં લક્ઝરી અને ટેકનોલોજીનો સમન્વય જોવા મળે છે: ડિસ્પ્લે: ડેશબોર્ડ પર બે 12.3-ઈંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. ઇન્ફોટેનમેન્ટ: નેક્સ્ટ-જનરેશન ccNC પ્લેટફોર્મ જે OTA અપડેટ્સ દ્વારા હંમેશા અપ-ટૂ-ડેટ રહેશે. સીટિંગ ઓપ્શન: તે 7-સીટર લક્ઝરી (435 લીટર બૂટ સ્પેસ) અને 9-સીટર વેગન (1,303 લીટર કાર્ગો કેપેસિટી) એમ બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ થશે.
સ્ટારિયા ઈલેક્ટ્રિકમાં 84 kWhની બેટરી અને 160 kW (215 BHP) નું એન્જિન છે, જે સિંગલ ચાર્જ પર 400 કિમી સુધીની રેન્જ આપે છે. સૌથી ખાસ વાત તેની 800-વોલ્ટ આર્કિટેક્ચર સિસ્ટમ છે, જે અલ્ટ્રા-ફાસ્ટ DC ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ટેકનોલોજીની મદદથી કાર માત્ર 20 મિનિટમાં 10 થી 80 ટકા સુધી ચાર્જ થઈ જાય છે.


