NPS New Rule : કેન્દ્ર સરકારે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)માં મોટો ફેરફાર કર્યો છે. નવા નિયમ મુજબ હવે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ નિવૃત્તિ સમયે પોતાના ‘રિટાયરમેન્ટ ફંડ’માંથી એકસાથે 80 ટકા રકમ ઉપાડી શકશે, જ્યારે બાકીની 20 ટકા રકમમાંથી એન્યુઈટી (માસિક પેન્શન) ખરીદવી પડશે. અગાઉ ઉપાડવાનો નિયમ 60 ટકા અને માસિક પેન્શન રાખવાનો સમય 40 ટકા હતો. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA)એ સત્તાવાર જાહેરાત કરીને નવો નિયમ ડિસેમ્બર-2025થી લાગુ કરી દીધો છે. આ નિયમ ઓલ સિટીઝન મોડલ અને કોર્પોરેટ NPS હેઠળ આવતા કર્મચારીઓ પર લાગુ પડશે.
અગાઉ કર્મચારીઓની બચતની 40 ટકા રકમ માસિક પેન્શનમાં જતી હતી, જેના આધારે પેન્શન આપવામાં આવતું હતું. જોકે હવે એન્યુઈટી 20 ટકા કરી દેવાઈ છે, તેથી હવે તમારી પેન્શન રકમ અગાઉ કરતા ઘટી જશે. જ્યારે કોઈ વ્યક્તિ નિવૃત્ત થાય છે, પછી તેને એન્યુઈટીમાંથી દર મહિને નિયમિત પેન્શન મળે છે.

જો નિવૃત્તિ સમયે તમારા ખાતામાં કુલ રકમ રૂ.8 લાખથી ઓછી હોય, તો તમે તે તમામ રકમ એકસાથે ઉપાડી શકો છો. આવા કિસ્સામાં એન્યુઈટી (માસિક પેન્શન) ખરીદવી ફરજિયાત નથી, તે તમારી મરજી પર આધારિત (ઓપ્શનલ) રહેશે.
જો તમારા ખાતામાં કુલ રકમ રૂ.8 લાખથી રૂ.12 લાખની વચ્ચે હોય, તો તમે એકસાથે વધુમાં વધુ રૂ.6 લાખ ઉપાડી શકશો. બાકીની રકમનો ઉપયોગ તમારે ફરજિયાત પણે એન્યુઈટી (માસિક પેન્શન) ખરીદવા માટે અથવા આગામી 6 વર્ષ સુધી વ્યવસ્થિત રીતે પૈસા ઉપાડવા માટે કરવો પડશે.
જો તમારા ખાતામાં કુલ રકમ રૂ.12 લાખથી વધુ હોય, તો તમે કુલ રકમના 80 ટકા સુધીની રકમ એકસાથે ઉપાડી શકો છો. જોકે, તમારે બાકીના ઓછામાં ઓછા 20 ટકા હિસ્સામાંથી ફરજિયાત પણે એન્યુઈટી (માસિક પેન્શન) ખરીદવી પડશે.
જો એનપીએસ ખાતાધારક 60 વર્ષની ઉંમર પહેલા પેન્શન યોજનામાંથી નીકળવા ઈચ્છે અને તેમના પાંચ લાખ રૂપિયા ડિપોઝિટ હોય તો તેઓ તમામ રકમ ઉપાડી શકે છે, પરંતુ જો પાંચ લાખથી વધુ રકમ હોય તો ડિપોઝિટ રકમમાંથી એક સાથે 20 ટકા ઉપાડી શકશે, બાકીની 80 ટકા રકમ એન્યુઈટીમાં જમા થઈ જશે.
NPSમાં સામેલ 60 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓના ખાતામાં 12 લાખ રૂપિયાથી ઓછી ડિપોઝિટ હોય તો તેઓ એક સાથે 100 ટકા રકમ ઉપાડી શકે છે. તેઓને એન્યુઈટી ખરીદવાની કોઈ ફરજિયાત નથી. પરંતુ જો 12 લાખથી વધુ ડિપોઝિટ રકમ હોય તો તેઓ એક સાથે 80 ટકા રકમ ઉપાડી શકશે. એટલે કે તેઓ 20 ટકા રકમ એન્યુઈટીમાં રોકી શકે છે.
જો કોઈ ખાતાધારકનું મૃત્યુ થાય તો 100 રકમ નોમિનીને મળશે અને જો નોમિની ઈચ્છે તો તેમની પાસે એન્યુઈટી ખરીદવાનો પણ ઓપ્શન છે.


