દેશના વાયદા બજાર કોમોડિટી એક્સચેન્જ પર સોના અને ચાંદીની કિંમતમાં નવો રેકોર્ડ નોંધાયો છે. ચાંદીની કિંમતો રૂપિયા બે લાખને પાર પહોંચી ગઈ છે, જ્યારે સોનાના ભાવમાં પણ ધરખમ વધારો થયો છે. એક્સચેન્જ પર ચાંદીની કિંમતોમાં આજે 17,000 હજાર રૂપિયાનો વધારો થયો છે. એક્સચેન્જ પર ચાંદીની કિંમતોની શરૂઆત 2000 રૂપિયાના ઘટાડા સાથે શરૂ થઈ હતી. જોકે બપોર બાદ સોના અને ચાંદીની કિંમતોમાં ધરખમ વધારો જોવા મળ્યો છે.
મલ્ટી કોમોડિટી એક્સ પર ચાંદીની કિંમતે રૂપિયા બે લાખને પાર પહોંચી ગઈ છે. MCXના ડેટા મુજબ, કારોબારી સત્ર દરમિયાન ચાંદીની કિંમતો 1420 રૂપિયા વધીને 2,00,362 રૂપિયા પર પહોંચી ગઈ છે, જે અત્યાર સુધીનો હાઈએસ્ટ રેકોર્ડ છે.

આમ તો આજે સવારે ચાંદીની કિંમતો 1984ના ઘટાડા સાથે 1,96,958 રૂપિયા પર ઓપન થઈ હતી. જ્યારે આજના દિવસના કારોબારમાં તેનો સૌથી ઓછો ભાવ 1,96,958 પર પહોંચ્યો હતો. એટલે કે ચાંદીના ભાવમાં આજના ઘટાડાથી લઈને માર્કેટ બંધ થવા સુધીમાં ભાવમાં 3405 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે.
નવેમ્બરના છેલ્લા કારોબારના દિવસે ચાંદીનો ભાવ 1,74,981 રૂપિયા નોંધાયો હતો. જોકે ડિસેમ્બરમાં આજની તારીખ સુધીમાં તેના ભાવમાં 25,381 રૂપિયાનો વધારો થયો છે.
ચાંદીની સાથે સોનાની કિંમતમાં પણ નવો રેકોર્ડ નોંધાયો છે. MCXના ડેટા મુજબ, આજે સોનાના ભાવમાં 1642 રૂપિયાનો વધારો થયા બાદ કિંમત 1,34,111 પર પહોંચી ગઈ છે. સવારે માર્કેટ ખુલતી વખતે સોનાની કિંમતમાં સામાન્ય ઘટાડો થયો હતો અને કિંમત 1,32,442 રૂપિયા પર ઓપન થઈ હતી. આમ ડિસેમ્બર મહિનામાં સોનાની કિંમતમાં 3649 રૂપિયાનો વધારો થયો છે.
જાણકારોનું કહેવું છે કે, અમેરિકન ફેડરલ બેંક દ્વારા વ્યાજદરમાં ઘટાડો કર્યો છે, જ્યારે સોના-ચાંદીની જેટલી ડિમાન્ડ છે, તેટલો પુરવઠો મળી રહ્યો નથી. આ ઉપરાંત અમેરિકાએ મેક્સિકો પર 50 ટકા ટેરિફ ઝિંકી દીધો છે. આ કારણોસર સોના-ચાંદીના ભાવમાં ધરખમ ઉછાળો થયો છે. રિપોર્ટ મુજબ ચાંદીના ભાવ વર્ષ 2026ના પ્રથમ છ મહિનાની અંદર 2.50 લાખ રૂપિયા સુધી પહોંચવાનો અંદાજ છે.


