ભારતીય બેંકિંગ સેક્ટરમાં અત્યારે લોનની માંગને લઈને એક નવો જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ગ્રાહકોને હવે પર્સનલ લોન કે કાર લોન કરતા ગોલ્ડ લોન (Gold Loan) વધુ આકર્ષી રહી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા સેક્ટોરલ ડેટા દર્શાવે છે ક
ભારતીય બેંકિંગ સેક્ટરમાં અત્યારે લોનની માંગને લઈને એક નવો જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ગ્રાહકોને હવે પર્સનલ લોન કે કાર લોન કરતા ગોલ્ડ લોન (Gold Loan) વધુ આકર્ષી રહી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા સેક્ટોરલ ડેટા દર્શાવે છે કે જાન્યુઆરી મહિનામાં ગોલ્ડ લોનની માંગમાં જંગી ઉછાળો આવ્યો છે.
RBI ના આંકડા મુજબ, જાન્યુઆરીમાં સોના પર આપવામાં આવતી લોનમાં વાર્ષિક ધોરણે (Year-on-Year) 128 ટકાનો ધરખમ વધારો નોંધાયો છે. જ્યારે એક વર્ષ પહેલા આ જ સમયગાળામાં આ ગ્રોથ 91 ટકા હતો. નિષ્ણાતોના મતે, સોનાના સતત ઊંચા રહેલા ભાવો અને બેંકોની સરળ તથા ઝડપી પ્રોસેસિંગના કારણે લોકો પોતાની તાત્કાલિક નાણાકીય જરૂરિયાતો પૂરી કરવા માટે ગોલ્ડ લોન તરફ વળ્યા છે.

અન્ય સેક્ટર્સની વાત કરીએ તો, રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં અપાતી લોનમાં 62 ટકાનો જંગી વધારો થયો છે. જ્યારે ગત વર્ષે આ વધારો 40 ટકા હતો. બીજી તરફ, અમેરિકન ટેરિફમાં ફેરફારો અને વેપાર સંબંધિત અનિશ્ચિતતાઓને કારણે એક્સપોર્ટ ક્રેડિટમાં 17.2 ટકાનો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
એકંદરે, નોન-ફૂડ ક્રેડિટમાં 14 ટકાનો વધારો થયો છે. રિટેલ લોન સેક્ટરમાં પણ મજબૂત માંગ ચાલુ છે, જેમાં 15 ટકાનો ગ્રોથ નોંધાયો છે. રિટેલમાં એજ્યુકેશન લોન 14 ટકાના ગ્રોથ સાથે બીજું સૌથી ઝડપથી વિકસતું સેગમેન્ટ બન્યું છે. કોર્પોરેટ સેક્ટરમાં પણ સુધારો જોવા મળ્યો છે, જેનો ગ્રોથ 8 ટકાથી વધીને 12 ટકા પર પહોંચ્યો છે. ખાસ કરીને જેમ્સ એન્ડ જ્વેલરી અને એન્જિનિયરિંગ સેક્ટરમાં 36 ટકાનો ઊંચો ગ્રોથ જોવા મળ્યો છે.
આ ડેટામાં એક વધુ મહત્વની બાબત એ સામે આવી છે કે, 15 ફેબ્રુઆરીએ પૂરા થતા પખવાડિયામાં બેંક ક્રેડિટ (લોન) 13.6 ટકા વધી છે, જ્યારે ડિપોઝિટ (થાપણો) નો ગ્રોથ માત્ર 11.2 ટકા રહ્યો છે. તેનો અર્થ એ છે કે બેંકોમાં થાપણો જમા થવાની રફ્તાર કરતા લોન આપવાની રફ્તાર વધુ ઝડપી છે, જેના કારણે ક્રેડિટ-ડિપોઝિટ રેશિયો 82.47 ટકા પર પહોંચી ગયો છે.
આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે બજારમાં નાણાંની માંગ સતત વધી રહી છે અને ભારતીયો પોતાની નાણાકીય જરૂરિયાતો માટે સોનાનો સ્માર્ટ રીતે ઉપયોગ કરી રહ્યા છે.


