નોન-સ્ટાન્ડર્ડ ક્વોલિટી (NSQ) અને નકલી દવાઓની યાદી બહાર પાડવામાં આવી. અહેવાલ મુજબ સેન્ટ્રલ ડ્રગ લેબોરેટરીએ 74 નમૂનાઓ અને રાજ્યની ડ્રગ ટેસ્ટિંગ લેબોરેટરીએ 93 સેમ્પલ એવા શોધી કાઢ્યા.
વિવિધ કંપનીઓ દ્વારા જે દવાઓ બનાવવામાં આવી રહી છે, તેની ક્વોલિટી સારી હોવી ખુબ જ જરૂરી છે પણ દેશમાં દવાઓની ગુણવત્તા પર દેખરેખ રાખવા માટે ડિસેમ્બર 2025માં હાથ ધરવામાં આવેલા નિયમિત નિરીક્ષણમાં ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)ની વેબસાઈટ પર પ્રકાશિત થયેલા તાજેતરના અહેવાલ મુજબ આ મહિને 170થી વધુ દવાના સેમ્પલ ફેઈલ થયા છે, જ્યારે 7 દવાઓ સંપૂર્ણપણે નકલી હોવાનું જાણવા મળ્યું છે.
દર મહિનાની જેમ ડિસેમ્બરમાં નોન-સ્ટાન્ડર્ડ ક્વોલિટી (NSQ) અને નકલી દવાઓની યાદી બહાર પાડવામાં આવી. અહેવાલ મુજબ સેન્ટ્રલ ડ્રગ લેબોરેટરીએ 74 નમૂનાઓ અને રાજ્યની ડ્રગ ટેસ્ટિંગ લેબોરેટરીએ 93 સેમ્પલ એવા શોધી કાઢ્યા, જેમાં કેટલીક બેચ નિર્ધારિત પેરામીટરમાં ફેઈલ થઈ ગઈ. આમાં દવાઓની શુદ્ધતા, શક્તિ, દ્રાવ્યતા અને અન્ય તકનીકી ધોરણોમાં ખામીઓ જોવા મળી.

ડિસેમ્બર 2025ના અહેવાલમાં 7 નકલી દવાઓ પણ ઓળખવામાં આવી હતી. આ દવાઓ માન્ય લાઈસન્સ વિના બનાવવામાં આવી હતી અને અન્ય કંપનીઓના નામનો ઉપયોગ કરીને તેનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું. આ નકલી દવાઓના નમૂનાઓ ગાઝિયાબાદ (ઉત્તર ઝોન) માંથી 4, અમદાવાદથી 1, બિહારથી 1 અને મહારાષ્ટ્રમાંથી 1. આ મામલે સંબંધિત એજન્સીઓએ તપાસ શરૂ કરી દીધી છે અને ડ્રગ્સ અને કોસ્મેટિક્સ એક્ટ હેઠળ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
સરકારી અને રાજ્ય સ્તરના દવા નિયમનકારો નિયમિતપણે દવાઓનું નિરીક્ષણ કરે છે જેથી ખાતરી કરી શકાય કે બજારમાંથી હલકી ગુણવત્તાવાળી અને નકલી દવાઓ સમયસર દૂર કરવામાં આવે. આ અહેવાલ દર્શાવે છે કે દેશની ડ્રગ મોનિટરિંગ સિસ્ટમ સક્રિય, મજબૂત અને જવાબદાર છે. નિષ્ણાતોનું કહેવું છે કે સામાન્ય લોકોએ પણ દવાઓ ખરીદતી વખતે સાવધાની રાખવી જોઈએ અને કોઈપણ શંકાસ્પદ દવાની તાત્કાલિક સ્થાનિક દવા સત્તામંડળને જાણ કરવી જોઈએ.


