E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratChhota Udaipur : મૃતક ભાઇની જમીન પચાવી પાડવા ભાઇએ જ નકલી દસ્તાવેજો...

Chhota Udaipur : મૃતક ભાઇની જમીન પચાવી પાડવા ભાઇએ જ નકલી દસ્તાવેજો બનાવ્યા, તંત્રએ આંખો મીંચીને સાચા પણ માની લીધા….

છોટાઉદેપુર જિલ્લાના સજોડ ગામે એક એવો કિસ્સો સામે આવ્યો છે. જે માત્ર એક પરિવારનો ઝઘડો નથી.પરંતુ સરકારી તંત્રની કાર્યપદ્ધતિ પર પણ મોટો સવાલ ઉભો કરે છે.

છોટાઉદેપુર જિલ્લાના સજોડ ગામે એક એવો કિસ્સો સામે આવ્યો છે. જે માત્ર એક પરિવારનો ઝઘડો નથી.પરંતુ સરકારી તંત્રની કાર્યપદ્ધતિ પર પણ મોટો સવાલ ઉભો કરે છે. અહીં એક લાલચુ ભાઈએ પોતાના જ મૃતક ભાઈની જમીન પોતાના નામે કરાવવા માટે આખું ષડયંત્ર રચ્યું હોવાનો આરોપ છે. ભાઈના મોત બાદ નકલી કાગળો, ખોટું સોગંદનામું,સાક્ષીની જાણ બહાર ખોટી સહી,તલાટી અને પંચાયતની ખોટા સહી-સીક્કા બનાવીને લાલચુ ભાઈએ જમીન નામ પર કરાવી દીધી. આટલું જ નહીં પણ જમીન પોતાના નામે થાય એ માટે મૃતક ભાઈને અપરિણિત બતાવ્યો,જ્યારે હકીકતમાં તેની પત્ની અને પુત્ર આજે પણ હયાત છે.હવે સૌથી મોટો સવાલ આ નકલી દસ્તાવેજો સરકારી કચેરી સુધી પહોંચ્યા તો તેની ચકાસણી કેમ ન થઈ ? પીડિત પુત્ર ન્યાયની ગુહાર લગાવી રહ્યો છે ત્યારે તેને ન્યાય મળશે ખરો ?

છોટાઉદેપુર જિલ્લાના સજોડ ગામે સામે આવેલ આ કિસ્સામાં આરોપ છે કે મૃતક બલાભાઈ છગન ભાઈ કોળી રાઠવાના ભાઈ સબૂરભાઈ છગનભાઈ કોળી રાઠવાએ જમીન મેળવવાની લાલચમાં નકલી દસ્તાવેજો તૈયાર કર્યા. ભાઈનું મૃત્યુ થયા બાદ જમીન પોતાના નામે કરાવવા માટે ખોટા સાક્ષીઓના ફોટા સાથે પેઢીનામું તૈયાર કર્યું, જેમાં સાક્ષીઓની ખોટી સહી, તલાટીની ખોટી સહી, પંચાયતના ખોટા સહી-સીક્કા કરી સરકારી પ્રક્રિયાને ગેરમાર્ગે દોરવા માટે અતિ ગંભીર પ્રકારની છેતરપિંડી કરવામાં આવી.

મામલો આટલેથી અટક્યો નહીં.જમીન પોતાના નામે જ થાય એ માટે મૃતક ભાઈને પેઢીનામામાં અપરિણિત દર્શાવ્યો જ્યારે તેની પત્ની અને પુત્ર જીવતા હોવા છતાં તેમને પેઢીનામામાંથી નામો કમી કરી દેવામાં આવ્યા. મરણના દાખલામાં ખોટા સહી સિક્કા,પેઢીનામાં બનાવવા માટેનું સોગંદનામુ ,તલાટી દ્વારા બનાવવામાં આવતુ પેઢીનામુ ખોટું, પેઢીનામામાં ત્રણ સાક્ષીના ફોટા ખોટા,નામ કમી અને વારસાઈ આધારે નામ ઉમેરવાની અરજી,આ તમામ બાબત ખોટી જે ડોક્યુમેન્ટ આરોપીએ તંત્રમાં જમા કરાવ્યા તે બાબતે ઈ ધારા વિભાગમાંથી 135 ડી ની નોટીસ કાઢવામાં આવી, રેવન્યુ તલાટી ગામમાં ગયા.પેઢીનામાંમાં જે નામો હતા તેની ખરાઈ કરવામાં આવી તે શું યોગ્ય હતી ? તે બાબતે સવાલ ઊભો થયો છે.

અરજદારની સહી સાચી બાકીની સહી ખોટી તો અન્ય ને બહાર મજૂરી અર્થે ગયા હોવાના ઉલ્લેખ છે. આ તમામ પ્રક્રિયા જ ખોટું થયાનું નિર્દેશ કરતી હોવા છતાં તસ્દી ન લેવાઈ અને ભેજાબાજ ભાઈએ નકલી કાગળોનો ઉપયોગ કરીને જમીન તેના નામે કરાવી દીધી . અને 7/12 અને 8 અ માં પણ આરોપીના નામે ચડાવી દેવામાં આવી.આ ઘટના માત્ર ઘરેલું ઝઘડો નથી પરંતુ જમીન રેકોર્ડ જેવી ગંભીર પ્રક્રિયામાં ખોટા દસ્તાવેજો આધારિત નોંધ કેવી રીતે થઈ, તે પણ મોટો સવાલ છે. કારણ કે જમીન નામે કરવાની પ્રક્રિયા દરમિયાન દસ્તાવેજોની ખરાઈ કરવાની જવાબદારી રેવન્યુ વિભાગની હોય છે.છતાં પણ ખોટી સહી,ખોટા સીકકા અને ખોટા સાક્ષી હોવા છતાં આ કાગળો સાચા ગણાવીને જમીન આરોપીના નામે કરી દેવામાં આવી હોવાની વાત મૃતકનો દીકરો કરી રહ્યો છે.

સજોડ ગ્રામ પંચાયતના તલાટીને જ્યારે પૂછવામાં આવ્યું તો તેમણે સ્પષ્ટ જણાવ્યું કે પંચાયતના તમામ ડોક્યુમેન્ટ નકલી છે. ડોક્યુમેન્ટમાં તલાટીની એટલે કે મારી સહી પણ ખોટી કરવામાં આવી છે.

મૃતકના પુત્રને જ્યારે આ સમગ્ર ઘટનાની જાણ થઈ ત્યારે તે ચોંકી ઊઠે એ સ્વાભાવિક છે.કારણ કે જેને પોતાના પિતાની જમીન પર હક હોવો જોઈએ તે પુત્ર આજે કાગળોમાં જ “વારસદાર” નથી રહ્યો અને જમીન પર બીજાનું નામ ચડાવી દેવામાં આવ્યું છે. હવે પીડિત પુત્ર માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો સરકારી રેકોર્ડમાં એકવાર નોંધ થઈ જાય તો તેને સુધારવા માટે વર્ષો સુધી કચેરીઓના ચક્કર કાપવા પડશે.

આ ઘટનામાં હવે પરિવારનો આક્રોશ એ વાતને લઈને છે કે નકલી દસ્તાવેજ બનાવવામાં અન્ય કેટલા લોકો ના હાથ ? પંચાયતના સીક્કા બનાવવામાં કોનો હાથ ? છતાં સરકારી કચેરી દ્વારા તપાસ કેમ ન થઈ ? અને જો આ બધું ખોટું થયું છે તો જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થશે કે કેમ ? સવાલો અનેક ઊઠી રહ્યા છે. જોકે મૃતકના પુત્રએ તમામ કાગળો પ્રાંત અધિકારીને આપી દીધા છે અને તેને ન્યાય મળે તેવી માંગ કરી રહ્યો છે. અધિકારી પણ આ મામલે યોગ્ય તપાસ કરવા માં આવશે તેવું જણાવી રહ્યા છે.

છોટાઉદેપુર જિલ્લાના સજોડ ગામની આ ઘટના હવે એક મોટો પ્રશ્ન ઉભો કરે છે. જો સરકારી કચેરીમાં નકલી દસ્તાવેજો પસાર થઈ શકે.તો સામાન્ય ગરીબ માણસના અધિકાર કેટલા સુરક્ષિત છે ? સૌથી મોટો સવાલ મૃતકના પુત્ર પાસે પુરાવા હોવા છતાં શું તેને ન્યાય મળશે ખરો ? કે પછી કાગળો અને નોંધોની જંગમાં તે વર્ષો સુધી ભટકતો રહેશે ? હવે જોવાનું રહેશે કે તંત્ર આ મામલે સાચી તપાસ કરીને નકલી દસ્તાવેજો રદ કરે છે કે નહીં અને દોષિત સામે ફોજદારી કાર્યવાહી થાય છે કે નહીં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments