છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને બોડેલી નગરપાલિકાની આગામી ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. આગામી 17મી માર્ચના રોજ વર્તમાન ચૂંટાયેલી પાંખની ટર્મ પૂર્ણ થતી હોવાથી, વહીવટદારના શાસન પૂર્વે જ ચૂંટણીલક્ષી તમામ તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, છોટા ઉદેપુર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે જિલ્લાનું વહીવટી તંત્ર તૈયારીઓમાં લાગી ગયું છે. છોટા ઉદેપુર જિલ્લાના સાત તાલુકામાં જિલ્લા પંચાયતની 32 બેઠકો આવેલી છે. સાત તાલુકાની છોટા ઉદેપુર તાલુકા પંચાયત 26 બેઠકો, પાવીજેતપુર તાલુકા પંચાયત 18 બેઠકો, કવાંટ તાલુકા પંચાયત 26 બેઠકો, નસવાડી તાલુકા પંચાયત 22 બેઠકો, બોડેલી તાલુકા પંચાયત 24 બેઠકો, સંખેડા તાલુકા પંચાયત 18 બેઠકો, કદવાલ તાલુકા પંચાયત; 16 બેઠકો આમ કુલ 150 બેઠકો આવેલી છે.

છોટાઉદેપુર જિલ્લાની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત અને બોડેલી નગરપાલિકાની ચૂંટણી માટે કુલ 2100 EVM અને 28 બેલેટ યુનિટ 2500 કન્ટ્રોલ યુનિટ મંગાવવામાં આવ્યા છે અને તેનું ચેકીંગ પણ કરી લેવામાં આવ્યું છે. છોટાઉદેપુર ખાતે પોલીટેકનિક કોલેજ માં સ્ટ્રોંગ રૂમ માં મૂકી દેવામાં આવ્યા છે. ચૂંટણી નજીક આવશે ત્યારે દરેક તાલુકા મથકના અધિકારીઓને EVM મશીનો ફાળવી દેવામાં આવશે. જિલ્લાના સાત તાલુકામાં 1049 મતદાન મથકો આવેલા છે અને તમામની ચકાસણી કરવા માટે અધિકારીઓને કામગીરી સોંપવામાં આવેલી છે જ્યારે ચૂંટણી ફરજ બનાવનાર કર્મચારીઓના લિસ્ટ તાલુકા મથકેથી મંગાવવામાં આવી રહ્યા છે.
જિલ્લામાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત અને નગરપાલિકા ની ચૂંટણી માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે હાલ તો ચૂંટણીઓ ગાજી રહી છે અને તારીખ 17 માર્ચના રોજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ચૂંટાયેલી પાંખના પાંચ વર્ષ પૂરા થતા હોવાથી વહીવટદારનું શાસન આવશે હાલ તો છેલ્લા દિવસો સત્તા પૂરી થવાના દિવસો હોવાથી ગ્રાન્ટ વાપરવા માટે ની તમામ તૈયારીઓ ભાજપના નેતાઓ કરી રહ્યા છે. જ્યારે રાજકીય પાર્ટીઓ પણ ચૂંટણી માટે તૈયારીઓ માં લાગી ગઈ છે ભાજપ કોંગ્રેસ અને આમઆદમી પાર્ટી છોટા ઉદેપુર જિલ્લામાં ચૂંટણી લડનાર હોવાથી ત્રણેય પાર્ટીઓ દોડધામ કરી રહી છે.


