વિકાસશીલ ગુજરાતના દાવાઓ વચ્ચે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાંથી સરકારી વહીવટની અત્યંત શરમજનક તસવીર સામે આવી છે. ડુંગરાળ વિસ્તારો અને કાચા રસ્તાઓ પર દોડવા માટે લાખોના ખર્ચે ખરીદાયેલી એમ્બ્યુલન્સો ધૂળ ખાઈ રહી છે, જ્યારે બીજી તરફ આધુનિક યુગમાં પણ આદિવાસી સમાજની સગર્ભા મહિલાઓને દવાખાને પહોંચાડવા માટે લોકો ‘ઝોળી’નો ઉપયોગ કરવા મજબૂર બન્યા છે.
છોટાઉદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા અંદાજે ₹20 લાખના ખર્ચે ખાસ પ્રકારની એમ્બ્યુલન્સોની ખરીદી કરવામાં આવી હતી. હેતુ એવો હતો કે, 108 એમ્બ્યુલન્સ જ્યાં ન પહોંચી શકે તેવા દુર્ગમ વિસ્તારોમાં આ વાહનો પહોંચે. નસવાડી તાલુકાને આ એમ્બ્યુલન્સો ફાળવી તો દેવાઈ, પરંતુ બ્લોક હેલ્થ ઓફિસરને આ વાહનો કયા PHC (પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર) ને આપવા તેની સ્પષ્ટતા ન કરાતા બે-બે એમ્બ્યુલન્સો ગઢબોરીયાદ સામૂહિક આરોગ્ય કેન્દ્રના કમ્પાઉન્ડમાં ભંગાર હાલતમાં પડી રહી છે.

ગઈકાલે જ નસવાડીના ખોખરા અને નલિયાબારી ગામે જ્યારે સગર્ભા મહિલાઓને તાકીદે હોસ્પિટલ ખસેડવાની જરૂર હતી, ત્યારે 108 એમ્બ્યુલન્સ ખરાબ રસ્તાના કારણે પહોંચી શકી ન હતી. જો વહીવટી તંત્રએ ડુંગરાળ વિસ્તારની આ ખાસ એમ્બ્યુલન્સો ચાલુ રાખી હોત, તો તે સરળતાથી ત્યાં પહોંચી શકત. પરંતુ અધિકારીઓના વાંકે દર્દીઓને ઝોળીમાં નાખીને પહાડો ઉતારવા પડ્યા હતા.
સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કે છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં છેલ્લા બે વર્ષથી ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી વહીવટ ચલાવી રહ્યા છે. આ ઇન્ચાર્જ રાજમાં પ્રજાની સુખાકારીની કોઈને પડી ન હોય તેમ દેખાઈ રહ્યું છે. સરકારના લાખો રૂપિયાના સાધનો અધિકારીઓની આળસ અને સંકલનના અભાવે વ્યર્થ સાબિત થઈ રહ્યા છે. શું આદિવાસી વિસ્તારની જનતાને ટેકનોલોજી અને સુવિધાનો લાભ અધિકારીઓના અહમ અને આળસના કારણે ક્યારેય નહીં મળે? તે મોટો સવાલ છે.


