E-Paper
Sunday, June 8, 2025
E-Paper
HomeGujaratGandhinagarCID એ RTI હેઠળ માહિતી આપવી પડશે, ગુજરાત સ્ટેટ ઈન્ફર્મેશન બ્યુરોનો સીમાચિહ્ન...

CID એ RTI હેઠળ માહિતી આપવી પડશે, ગુજરાત સ્ટેટ ઈન્ફર્મેશન બ્યુરોનો સીમાચિહ્ન ચુકાદો

Gujarat CID: ગુજરાત રાજય માહિતી આયોગે એક સીમાચિહ્નરૂપ ચુકાદા મારફતે સ્ટેટ સીઆઇડી ક્રાઈમને આરટીઆઇ હેઠળ મળેલી મુક્તિ પાછી ખેંચવા ગુજરાત સરકારને ભલામણ કરતો નિર્દેશ કર્યો છે. એટલું જ નહી, રાજય માહિતી આયોગે રાજયના તમામ શહેર અને ગ્રામ્ય એલસીબી અને કાઈમબ્રાંચોને પણ આરટીઆઇ હેઠળ અપાયેલી મુકિત પાછી ખેંચવા માટે રાજય સરકારને બહુ અગત્યની ભલામણ કરી છે. 

સાયબર ફ્રોડ પીડિતોને માહિતી આપવાનો નિર્દેશ

ગુજરાત રાજય માહિતી આયોગના કમિશનર નિખિલ ભટ્ટે દૂરોગામી અસરો પેદા કરનારા આ ચુકાદામાં સ્પષ્ટપણે ઠરાવ્યું હતું કે, ગુપ્તતાના ઓઠા હેઠળ સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોને માહિતી નહી આપવાનો સાયબર ક્રાઈમ સેલનો નિર્ણય બિલકુલ અયોગ્ય છે. સાયબર ફ્રોડના ગુનાઓ સંબંધી માહિતી તેનો ભોગ બનનારા લોકોને માહિતી અધિકાર અધિનિયમ-2005 હેઠળ સાયબર ક્રાઈમ સેલ, સીઆઈડી ક્રાઈમ દ્વારા આપવી જ જોઈએ. 

ગૃહ વિભાગને આદેશ

રાજ્ય માહિતી કમિશનરે આ હુકમની નકલ રાજયના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવને પણ મોકલી આપવા હુકમ કર્યો હતો. ઉપરાંત, આ હુકમ અનુસંધાનમાં ગૃહ વિભાગ પાસેથી પ્રગતિની વિગતો સમયાંતરે મેળવીને રાજય મુખ્ય માહિતી કમિશનર સમક્ષ યોજાતી બેઠકોમાં રજૂ કરવા પણ હુકમ કર્યો હતો. 

સાથે સાથે ગુજરાત રાજય માહિતી આયોગના આ હુકમ મુજબ, રાજય સરકાર દ્વારા સુધારેલું જાહેરનામું બહાર પાડવામાં આવે તો તેની નકલ પણ રાજ્ય માહિતી આયોગમાં મોકલવા કડક તાકીદ કરાઇ હતી.

આયોગે પ્રસ્તુત કેસમાં ફરિયાદી દ્વારા માંગવામાં આવેલી માહિતી સુધારેલુ જાહેરનામું બહાર પાડયા બાદ પાંચ દિવસમાં જ વિનામૂલ્યે આરપીએડીથી પૂરી પાડવા પણ હુકમ કર્યો હતો. 

શા માટે આ ચુકાદો મહત્ત્વનો છે?

અમદાવાદ શહેર સહિત દેશભરમાં હજારો લોકો સાયબર ફોડનો ભોગ બની રહ્યા છે અને તેમના ખાતાઓમાંથી લાખો-કરોડો રૂપિયાની ઉચાપત થઈ રહી છે ત્યારે આવા સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોને રાઇટ ટુ ઇન્ફર્મેશન (આરટીઆઈ) એક્ટ હેઠળ તેમની ફરિયાદ સંબંધમાં કોઈજ માહિતી સાયબર ક્રાઈમ સેલ દ્વારા પૂરી પાડવામાં આવતી નથી. 

તેનું કારણ એ છે કે, સાયબર કાઇમ સેલ એ સ્ટેટ સીઆઈડી ક્રાઇમ સેલના તાબા હેઠળ કાર્યરત છે અને સરકારના ગૃહ વિભાગના સંબંધિત જાહેરનામા મારફતે સીઆઇડી ક્રાઈમને આરટીઆઈ હેઠળ માહિતી આપવામાંથી મુક્તિ અપાવેલી છે. તેથી સાયબર કાઈમ સેલ સીઆઈડીના તાબા હેઠળ હોઈ તે પણ આ મુક્તિનો લાભ વટાવી સાયબર ફોડનો ભોગ બનેલા લોકોને કોઈપણ પ્રકારની માહિતી આપતું જ નથી. 

ગાંધીનગરના કેસથી સીમાચિહ્નરૂપ ચુકાદો

આવા જ એક કિસ્સામાં ગાંધીનગર જિલ્લાના એક નાગરિકના બેંકના ખાતામાંથી રૂ.4.50લાખ ઉપડી જતાં સાયબર ફ્રોડનો ગુનો નોંધાયો હતો. બાદમાં ફરિયાદીએ એફઆઈઆરની નકલ અને ફરિયાદ સંબંધી થયેલ તમામ પત્રવ્યવહારસહિતની સંબંધિત વિગતો (માહિતી) અને તેની ફરિયાદ અન્વયે થયેલ તપાસ-કાર્યવાહીનો રિપોર્ટ-નકલ આરટીઆઈ એકટ હેઠળ માંગ્યા હતા. જો કે, સીઆઈડી ક્રાઈમ દ્વારા માહિતી અધિકાર કાયદા હેઠળ તેમને આવી માહિતીઓ આપવામાંથી મુક્તિ મળેલ છે તેવું કારણ બતાવી માહિતી નકારવામાં આવી હતી. જેની સામે ફરિયાદી દ્વારા ગુજરાત રાજય માહિતી આયોગ સમક્ષ ફરિયાદ દાખલ કરાઈ હતી. જેની સુનાવણીના અંતે તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ રાજય માહિતી આયોગે ઉપરોક્ત મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. 

4 વર્ષમાં સાયબર ક્રાઈમ 900 ટકા વધતાં CIDની બોલબાલા 

સાયબર ક્રાઈમમાં વિતેલા ચાર વર્ષમાં 900 ટકાનો તોસ્તાન ઉછાળો નોંધાયો છે તેના કારણે ગુજરાત કે દેશના કોઈપણ રાજ્યમાં સીઆઈડીની બોલબાલા વધી છે. અનેક પ્રકારના સાયબર ક્રાઈમની આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય તપાસો સીઆઈડીમાં પહેલાં અરજી સ્વરૂપે આવે છે. આથી, ફરિયાદો પહેલાં અરજીઓની બોલબાલા રહે છે. રાજ્ય સ્તરની આ એજન્સી સી.આઈ.ડી.માં ઈકોનોમિક ઓફેન્સ વિંગ, સાયબર ક્રાઈમ સેલ, નારકોટિક્સ સેલ, સીએફસી સેલ, મહિલાસેલ, મિસીંગ સેલ, રેલવે પોલીસ, સી.આઈ. સેલ, પી.આર.સી. જેવા અનેક વિભાગો કાર્યરત છે. 

જિલ્લાદીઠ એકમો ઉપરાંત ગાંધીનગરમાં મુખ્ય કચેરી ધરાવતી સીઆઈડી દ્વારા બનાવટી ચલણી નોટો, કોપીરાઈટ ફોરવર્ડ માર્કેટ કમિશન, ગુનાઓ ઉપર આર્થિક અને સામાજીક પરિબળોની અસર અંગે સંશોધન, રાજ્યના તમામ જિલ્લા, કમિશનરેટના આંકડાઓ મેળવી ક્રાઈમ રિવ્યૂ, સીબીઆઈ, એનસીબી, રિઝર્વ બેન્ક અને ઓ.એન.જી.સી. સાથે સંકલન ઉપરાંત હાઈકોર્ટ, તકેદારી આયોગ કે ડીજીપી તરફથી સોંપાતા જટિલ, ચકચારી અને ગંભીર ગુનામાં સાચા આરોપી ઝડપી લેવાની કામગીરી સીઆઈડી ક્રાઈમની હોય છે. 

રાજ્યવ્યાપી સત્તા ધરાવતી આ એજન્સી અરજીઓની સંખ્યા વધી હોવાના ભારણના નામે સ્વતંત્રતા સાથે સ્વચ્છંદતા મેળવતી રહી હોવાની ઉચ્ચ અધિકારીઓમાં જ ચર્ચા છે. સીઆઈડીમાં ફરિયાદો પહેલાં અરજીઓની બોલબાલા પહેલેથી જ રહેલી છે. જટિલ કિસ્સાઓની સચોટ તપાસમાં સમય વિતે તેવા બહાને તોડબાજી માટે સીઆઈડી બદનામ પણ થતી રહી છે. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments