E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeIndiaDelhi : દિલ્હીથી મેરઠ હવે ફક્ત 55 મિનિટમાં, PM મોદીએ 'નમો ભારત...

Delhi : દિલ્હીથી મેરઠ હવે ફક્ત 55 મિનિટમાં, PM મોદીએ ‘નમો ભારત રેપિડ રેલ’ના સંપૂર્ણ ભાગનું ઉદ્ઘાટન કર્યું

દિલ્હીથી મેરઠ વચ્ચેનું અંતર હવે સમયની દૃષ્ટિએ ઘણું નજીક આવ્યું છે. ‘નમો ભારત રેપિડ રેલ’ શરૂ થતાં મુસાફરોને ઝડપી, સુરક્ષિત અને આધુનિક પ્રવાસનો અનુભવ મળશે. PM નરેન્દ્ર મોદી દ્વારા આજે 82 કિલોમીટર લાંબા દિલ્હી–મેરઠ રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (RRTS)ના બાકીના તમામ ભાગોનું ઉદ્ઘાટન કર્યું છે. આ ઐતિહાસિક પગલાંથી દિલ્હી થી મેરઠ વચ્ચેની મુસાફરી હવે માત્ર 55 મિનિટમાં પૂર્ણ થશે, જે પહેલાં ઘણો સમય લેતી હતી.

આ પ્રોજેક્ટમાં દિલ્હીના સરાય કાલે ખાનથી ન્યૂ અશોક નગર સુધીનો 5 કિમીનો વિભાગ અને મેરઠ દક્ષિણથી મોદીપુરમ સુધીનો 21 કિમીનો વિભાગ સામેલ છે. સાથે જ 23 કિલોમીટર લાંબી મેરઠ મેટ્રોનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જે દેશની સૌથી ઝડપી મેટ્રો સેવાઓમાંની એક છે. ઉદ્ઘાટન બાદ આજે સાંજે 6 વાગ્યાથી આ બંને સેવાઓ સામાન્ય જનતા માટે શરૂ કરવામાં આવી.

પ્રધાનમંત્રીનું સ્વાગત ગાઝિયાબાદ સ્થિત હિંડોન એરપોર્ટ પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા કરવામાં આવ્યું. ત્યારબાદ બંને મેરઠ પહોંચ્યા, જ્યાં ઉદ્ઘાટન સમારોહ સાથે એક જાહેર રેલીને પણ સંબોધન કરવામાં આવ્યું. આ પહેલા પ્રધાનમંત્રીએ મેરઠમાં અંદાજે ₹12,930 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો.પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી અને NCRTCના અધિકારીઓએ શતાબ્દી નગરથી મેરઠ દક્ષિણ સુધી ‘નમો ભારત’ ટ્રેનમાં મુસાફરી કરી અને મુસાફરો સાથે સંવાદ કર્યો. અધિકારીઓએ રેપિડ રેલની કામગીરી, સુરક્ષા વ્યવસ્થા અને ભવિષ્યની યોજનાઓ અંગે માહિતી આપી.

‘નમો ભારત રેપિડ રેલ’માં મહિલા સશક્તિકરણ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. અંદાજે 80 ટકા ડ્રાઇવર સ્ટાફ મહિલાઓનો રહેશે. ટ્રેનમાં મહિલાઓ માટે ખાસ કોચ, વિશાળ સામાન જગ્યા, વધારાની ઊભા રહેવાની જગ્યા, પાણી બોટલ હોલ્ડર, મેગેઝિન સ્ટેન્ડ અને ફૂટરેસ્ટ જેવી સુવિધાઓ આપવામાં આવી છે.

ટેક્નોલોજીની દૃષ્ટિએ પણ આ રેલ અત્યંત આધુનિક છે. ટ્રેન 180 કિમી પ્રતિ કલાકની ગતિએ દોડી શકે છે, સંપૂર્ણ ડિજિટલ ડ્રાઇવર કન્સોલ ધરાવે છે અને પ્રીમિયમ કોચમાં મોબાઇલ-લેપટોપ ચાર્જિંગ પોઇન્ટ તથા સૂર્યપ્રકાશથી બચાવ માટે બ્લાઇન્ડ કર્ટેન્સ આપવામાં આવ્યા છે. સરાય કાલે ખાન સ્ટેશન પર સ્માર્ટ ટિકિટિંગ, QR કોડ આધારિત ટિકિટિંગ અને ભવિષ્યમાં દિલ્હી–અલવર તથા દિલ્હી–કરનાલ રેપિડ રેલ જોડાણ માટે છ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યા છે. આ રીતે ‘નમો ભારત રેપિડ રેલ’ દિલ્હી–NCR વિસ્તારમાં આધુનિક, ઝડપી અને વિશ્વસ્તરીય પરિવહન તરફનું એક મોટું પગલું સાબિત થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments