દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રખડતા પશુઓનો ત્રાસ અને આતંક ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. જામ ખંભાળીયા તાલુકાના સલાયા ગામે રખડતા પશુઓના કારણે એક વેપારીએ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. રસ્તા પર લડી રહેલા બે આખલાઓ અચાનક એક ફરસાણની દુકાનમાં ઘૂસી જતાં અફરાતફરી મચી ગઈ હતી. આ સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થયા છે.
મળતી માહિતી મુજબ, સલાયા ગામના મુખ્ય બજારમાં બે આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું હતું. લડાઈ એટલી ઉગ્ર હતી કે બંને આખલાઓ એકબીજાને શીંગડે ભરાવી ધક્કા મારતા મારતા સીધા જ બાજુમાં આવેલી ફરસાણની દુકાનમાં અંદર ઘૂસી ગયા હતા. દુકાનમાં ઘૂસ્યા બાદ પણ આખલાઓએ પોતાની લડાઈ ચાલુ રાખી હતી, જેના કારણે દુકાનનો કિંમતી સામાન, ફર્નિચર અને તૈયાર રાખેલું ફરસાણ વેરવિખેર થઈ ગયું હતું.

સદનસીબે, આ ઘટના સમયે દુકાનમાં કોઈ ગ્રાહક હાજર ન હતા, નહીંતર મોટી જાનહાનિ થઈ શકી હોત. જોકે, આખલાઓના આતંકને કારણે વેપારીનો હજારો રૂપિયાનો માલ-સામાન બગડી ગયો છે. વારંવાર બનતી આવી ઘટનાઓથી સ્થાનિક વેપારીઓ અને રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો માગ કરી રહ્યા છે કે, નગરપાલિકા અને તંત્ર દ્વારા આ રખડતા પશુઓના ડબ્બે પૂરવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે.


