દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં વેરાડ ગેટ પાસે આવેલી એક હોટલમાં મારામારીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. રહીમ નામનો વ્યક્તિ જ્યારે હોટલમાં જમવા માટે ગયો હતો, ત્યારે ત્યાં હાજર અન્ય બે વ્યક્તિઓ સાથે કોઈ સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. આ મામૂલી તકરાર જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને બંને શખ્સોએ રહીમ પર તૂટી પડ્યા હતા. હુમલાખોરોએ રહીમને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ઢોર માર માર્યો હતો, જેના કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચી છે.

આ સમગ્ર મારામારીની ઘટના હોટલમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં હુમલાખોરો સ્પષ્ટપણે જોઈ શકાય છે. ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ જતાં હુમલાખોરો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. ઈજાગ્રસ્ત રહીમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ભાણવડ પોલીસે આ મામલે CCTV ફૂટેજ કબજે કરી આરોપીઓની ઓળખ વિધિ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જાહેર સ્થળે થયેલી આ હિંસક ઘટનાને કારણે સ્થાનિક વેપારીઓ અને રહીશોમાં સુરક્ષા અંગે ચિંતા વ્યાપી છે.


