દેશના સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેનું આજે(12 એપ્રિલ) 92 વર્ષની વયે નિધન થયું છે. તેમને કાર્ડિયાક અરેસ્ટ શનિવારે રાત્રે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન નિધન થયું છે. તેમના અંતિમ સંસ્કાર આવતીકાલે સાંજે 4 વાગ્યે થશે. આશા ભોસલેના નિધનથી માત્ર સિનેમા જગતના લોકો જ દુઃખી જ નથી, પરંતુ અનેક દિગ્ગજ નેતા પણ દિગ્ગજ સિંગરથી દુઃખમાં છે. તેમણે માત્ર હિન્દી જ નહીં પણ ભારત દેશની અનેક ભાષાઓમાં ગીતો ગાયા હતાં.
ખાસ કરીને ગુજરાતી સંગીત સાથે તેમનો નાતો ખૂબ જ જૂનો અને અતૂટ રહ્યો છે. ગુજરાતી સિનેમાના સુવર્ણકાળ દરમિયાન આશા ભોસલેએ ઘણા યાદગાર ગીતો ગાયા હતા. ગુજરાતી સુગમ સંગીતથી લઈને ફિલ્મી ગીતો સુધી, આશાજીએ એવા અનેક ગીતો આપ્યા છે જે આજે પણ દરેક ગુજરાતીના હૈયે વસેલા છે.
ગુજરાતી ફિલ્મોની વાત કરવામાં આવે તો આશા ભોંસલેએ ગુજરાતી સંગીતના દિગ્ગજ સંગીતકારો જેવા કે અવિનાશ વ્યાસ, ક્ષેમુ દિવેટિયા અને આજીત મર્ચન્ટ સાથે ઘણું કામ કર્યું છે. આશા ભોસલેએ અવિનાશ વ્યાસના સંગીત નિદર્શન હેઠળ અનેક સુપરહિટ ગીતો ગાયા છે. તેમણે અનેક ગુજરાતી ફિલ્મોમાં ગીતો ગાયા હતા.

આશાજીએ ગાયેલા પ્રખ્યાત ગુજરાતી ગીતો, જેમાં કેટલાક જુગલબંધીમાં ગાયેલા છે
તમે થોડું થોડું બોલો તો (ફિલ્મ: જેસલ તોરલ)
પંખીડાને આ પિંજરું : (ફિલ્મઃ અખંડ સૌભાગ્યવતી)
છેલાજી રે, મારે હાટું પાટણથી પટોળાં મોઘા લાવજો
છાનું રે છપનું કંઇ થાય નહિં
તારી વાંકી રે પાઘલડીનું ફુમતું રે
એક પાટણ શેરની નાર પદમણી
તારો લટકો છે સવા લાખનો
ધમક ધમક ધમ સાંબેલુ
માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો
સોના વાટકડી રે કેસર ઘોળ્યા વાલમીયા
મારા પાલવડે બાંધ્યો જશોદાનો જાયો..
ખમ્મા મારા નંદજીના લાલ
તારા ફળીયામાં પગ નહીં મેલુ
ક્યાં રમી આવ્યા રાસ…
ઉંચી તલાવડીની કોર..
છલકાતુ આવે બેડલું
હે રંગલો જામ્યો..
માનું ગગન ઘેરાઈ ગયું..
ઉભી શેરીને ઉભી બજાર..
ફુલડા વિણવા ગઈતી..
મેલો મેલો રે મારગડો
માં પાવા તે ગઢથી
જય આદ્યા શક્તિ
આશા ભોસલેએ માત્ર ગીતો જ નથી ગાયા, પરંતુ ગુજરાતી ગઝલ અને કવિતાઓને સામાન્ય જનતા સુધી પહોંચાડવામાં મોટું યોગદાન આપ્યું છે. આજે જ્યારે નવી પેઢીના ગાયકો ગુજરાતી સંગીતને રિ-મિક્સ કરી રહ્યા છે, ત્યારે આશાજીના ઓરિજિનલ ગીતો હજુ પણ બેન્ચમાર્ક ગણાય છે. આશા ભોસલેના આ ગુજરાતી ગીતો હંમેશા આપણી સંસ્કૃતિનો હિસ્સો બની રહેશે.


