બોલિવૂડના ફેમસ રેપર બાદશાહ છેલ્લા કેટલાક સમયથી સતત ચર્ચામાં રહ્યા છે. માર્ચ મહિનાની શરૂઆતથી જ તેમના જીવનમાં પ્રોફેશનલ વિવાદ અને પર્સનલ લાઈફના સમાચારોનો વંટોળ જોવા મળ્યો છે. હવે આ તમામ મુદ્દાઓ પર બાદશાહે સોશિયલ મીડિયા દ્વારા પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી છે.
માર્ચની શરૂઆતમાં બાદશાહનું નવું ગીત “ટેટ્ટીરી” રિલીઝ થયું હતું, પરંતુ તે તેની અપેક્ષા મુજબ હિટ થવાને બદલે વિવાદમાં ફસાયું. ગીતના શબ્દોને અપમાનજનક ગણાવવામાં આવ્યા, જેના કારણે હરિયાણામાં તેમની સામે કાયદાકીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. આ વિવાદ હજુ શમ્યો નહોતો ત્યાં તેમના અંગત જીવનના સમાચારોએ જોર પકડ્યું.
સોશિયલ મીડિયા પર બાદશાહ અને તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ ઈશા રિખીના લગ્નના ફોટા વાયરલ થતા ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. રિપોર્ટ્સ અનુસાર, આ ફોટા તેમની સાસુએ શેર કર્યા હતા, જેનાથી આ અટકળોને વધુ વેગ મળ્યો. બાદશાહ પહેલેથી જ એક પુત્રીના પિતા છે, તેથી તેમના આ ગુપ્ત લગ્નના સમાચાર સોશિયલ મીડિયા પર ટોક ઓફ ધ ટાઉન બન્યા હતા.

આ તમામ વિવાદો અને અફવાઓ વચ્ચે બાદશાહે આખરે ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શેર કરી છે. તેમણે પોતાની સ્ટોરીમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું કે સોશિયલ મીડિયા પર જે કંઈ પણ દેખાય છે તે હંમેશા સત્ય હોતું નથી. જોકે તેમણે કોઈ ચોક્કસ મુદ્દાનું નામ નથી લીધું, પણ ચાહકો માની રહ્યા છે કે આ પ્રતિક્રિયા તેમના લગ્નની અફવાઓ અને ગીતના વિવાદને લઈને છે.
બાદશાહે લખ્યું કે છેલ્લા કેટલાક અઠવાડિયાએ તેમની એવી કસોટી કરી છે જેની તેમણે અપેક્ષા નહોતી રાખી અને ન તો તૈયારી કરી હતી. રેપરે કહ્યું, “બહારથી, જીવન ખૂબ જ સંપૂર્ણ લાગે છે. પરંતુ જ્યારે કેમેરા બંધ હોય છે, ત્યારે તમે એકલા જે ભાર વહન કરો છો તે ખરેખર અલગ હોય છે. હું આ દિવસોમાં મારી અંદર ઘણું બધું વહન કરી રહ્યો છું.” “પરંતુ લંડને મને યાદ અપાવ્યું કે મને શું જોઈએ છે. જ્યારે હું O2 સ્ટેજ પર ગયો, ત્યારે ભીડ સાંભળ્યા પહેલા જ હું ઉર્જા અનુભવી શક્યો. ચહેરાઓ, અવાજ અને તે સ્ટેડિયમને ભરી દેતી હૂંફ.
પોતાની નોંધના અંતે, બાદશાહે જાહેરાત કરી કે તે તેના જીવનમાં એક નવા તબક્કાની શરૂઆત કરી રહ્યો છે. તે વધુ નવા અને ઉત્તેજક ગીતો સાથે આવવા માટે સખત મહેનત કરી રહ્યો છે. તેણે આ સમય દરમિયાન તેને મજબૂત રાખવા બદલ તેના ચાહકો અને પ્રશંસકોનો આભાર માન્યો.


