દિગ્દર્શક એટલી અને દક્ષિણ સિનેમાના સુપરસ્ટાર અલ્લુ અર્જુન પહેલીવાર સાથે આવી રહ્યા છે, અને તે પણ એક ભવ્ય પેન-ઇન્ડિયા ફિલ્મ સાથે. ફિલ્મ AA22XA6 માં દીપિકા પાદુકોણની એન્ટ્રી થતાં જ ચાહકોનો ઉત્સાહ દૂણો થઈ ગયો છે.
દર વખતે જ્યારે અલ્લુ અર્જુન કોઈ નવી ફિલ્મ સાઇન કરે છે, ત્યારે તે પ્રોજેક્ટ ચર્ચાનો વિષય બની જાય છે. હવે તેની 22મી ફિલ્મ AA22XA6 ને લઈને ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને દર્શકો બંનેમાં ભારે ઉત્સાહ છે. આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે હિટમેકર એટલી, જેમણે ‘જવાન’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મ આપી છે. એટલી અને અલ્લુ અર્જુનનો આ પહેલો સહયોગ હોવાથી ફિલ્મને લઈને અપેક્ષાઓ ઘણી ઊંચી છે.
આ ફિલ્મ સાથે જોડાયેલું સૌથી મોટું સરપ્રાઈઝ એ છે કે દીપિકા પાદુકોણ પણ આ પ્રોજેક્ટનો ભાગ છે. મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન, એટલીએ એક ઇન્ટ્રવ્યુમાં ફિલ્મ વિશે કેટલાક રસપ્રદ સંકેતો આપ્યા. તેમણે ખુલાસો કર્યો કે દીપિકા તેમના માટે લકી ચાર્મ સમાન છે. એટલીએ હસતાં કહ્યું કે દીપિકા સાથે કામ કરવાનો અનુભવ હંમેશા ખાસ રહ્યો છે અને AA22XA6 તેમની સાથે બીજી ફિલ્મ છે.

ફિલ્મ વિશે અપડેટ આપવા બાબતે એટલીએ મજાકમાં કહ્યું, “હું શું અપડેટ આપી શકું?” પરંતુ ત્યારબાદ તેમણે ગંભીરતાથી જણાવ્યું કે આખી ટીમ દિવસ-રાત ફિલ્મ પર મહેનત કરી રહી છે. તેઓ ફિલ્મ વિશે વધુ કહેવા માટે ઉત્સુક છે, પરંતુ યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા છે. એટલીના જણાવ્યા અનુસાર, દરરોજ કંઈક નવું શોધાઈ રહ્યું છે અને આ ફિલ્મ દરેક માટે એક અનોખો અનુભવ સાબિત થશે.
દીપિકા પાદુકોણ વિશે વાત કરતાં એટલીએ કહ્યું કે માતા બન્યા પછી આ દીપિકાની પહેલી ફિલ્મોમાંથી એક છે અને દર્શકો તેમને એકદમ નવા અંદાજમાં જોશે. તેમણે દીપિકાની પ્રશંસા કરતાં કહ્યું કે તે માત્ર એક શાનદાર અભિનેત્રી જ નથી, પરંતુ સેટ પર સકારાત્મક ઊર્જા લાવતી કલાકાર છે.
AA22XA6 ટેકનોલોજી અને VFX થી ભરપૂર એક મોટો પ્રોજેક્ટ છે. એટલી આ ફિલ્મને આંતરરાષ્ટ્રીય સ્તરની બનાવવા માંગે છે અને તેની તુલના ‘અવતાર’ જેવી ભવ્ય ફ્રેન્ચાઇઝ સાથે થઈ રહી છે. ફિલ્મ બે અલગ-અલગ બ્રહ્માંડ પર આધારિત હોવાનું કહેવાય છે, જેમાં ભારતીય મૂલ્યો, ભાવના, એક્શન અને ભવ્ય વાર્તા કહાનીનું અનોખું સંયોજન જોવા મળશે.
ફિલ્મની કાસ્ટ પણ એટલી જ મજબૂત છે. અલ્લુ અર્જુન અને દીપિકા પાદુકોણ સિવાય કાજોલ, રશ્મિકા મંદાન્ના, જાહ્નવી કપૂર, મૃણાલ ઠાકુર, રામ્યા કૃષ્ણન, યોગી બાબુ અને જીમ સરભ જેવા દમદાર કલાકારો ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. અગાઉ એક ઇન્ટરવ્યુમાં એટલીએ સ્પષ્ટ કર્યું હતું કે હાલ “જવાન 2” અથવા “ડોન 3” અંગેના અહેવાલ માત્ર અફવા છે.


