આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી મેગા-એક્શન ફિલ્મ “ધુરંધર 2: ધ રીવેન્જ” હાલમાં સિનેમાઘરોમાં તોફાન મચાવી રહી છે. રણવીર સિંહ, સંજય દત્ત અને આર. માધવન જેવા દિગ્ગજ કલાકારોથી સજ્જ આ ફિલ્મ બીજા સપ્તાહમાં પ્રવેશી હોવા છતાં તેની કમાણીમાં કોઈ ઘટાડો જોવા મળી રહ્યો નથી. ઊલટાનું, બીજા શુક્રવારે પણ ફિલ્મે બોક્સ ઓફિસ પર મજબૂત પકડ જાળવી રાખી છે.
ફિલ્મે તેના ઓપનિંગ વીકથી જ બોક્સ ઓફિસ પર કબજો જમાવી લીધો હતો. દરરોજ ₹40 કરોડથી વધુની કમાણી કરીને આ ફિલ્મે નિર્માતાઓને માલામાલ કરી દીધા છે. તાજેતરના અહેવાલો મુજબ ધુરંધર-2ની પ્રથમ સપ્તાહની કમાણી: ₹624.47 કરોડ છે અને 8મો દિવસ: ₹49.70 કરોડની કમાણી કરી. જયારે 9મો દિવસ (બીજો શુક્રવાર)₹41.55 કરોડની કમાણી સાથે અત્યાર સુધી ફિલ્મનું કુલ કલેક્શન (9 દિવસ): ₹715.72 કરોડને પાર થયું.

‘ધુરંધર 2’ એ તેની રફ્તારથી શાહરૂખ ખાનની ‘જવાન’, ‘પઠાણ’ અને શ્રદ્ધા કપૂરની ‘સ્ત્રી 2’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મોના લાઈફટાઈમ કલેક્શનના રેકોર્ડ તોડી નાખ્યા છે. હવે આ ફિલ્મ બોલિવૂડની સૌથી મોટી હિટ ફિલ્મ બનવા તરફ આગળ વધી રહી છે. હાલમાં આ ફિલ્મ માત્ર બે મોટી ફિલ્મોના રેકોર્ડથી પાછળ છે. પુષ્પા 3 (હિન્દી)એ ₹836.09 કરોડ અને ધુરંધર (પાર્ટ 1) ₹894.49 કરોડની કમાણી કરી હતી. નિષ્ણાતોનું માનવું છે કે બીજા શનિવાર અને રવિવારની રજાઓમાં કમાણીમાં મોટો ઉછાળો આવશે, જેનાથી તે ‘પુષ્પા’ના હિન્દી કલેક્શનને પણ વટાવી જશે તેવી પૂરી શક્યતા છે.
19મી માર્ચે રિલીઝ થયેલી આ ફિલ્મ વર્ષ 2025માં આવેલી ‘ધુરંધર’ની સિક્વલ છે. આદિત્ય ધરના શાનદાર ડાયરેક્શન અને રણવીર સિંહના પાવરફુલ પર્ફોર્મન્સે દર્શકોને સિનેમાઘરો સુધી ખેંચી લાવવામાં સફળતા મેળવી છે. ફિલ્મમાં અર્જુન રામપાલ અને સારા અર્જુન પણ મહત્વની ભૂમિકામાં છે. આ એક એવી ફિલ્મ જેના વિશે કોઈ પણ વ્યક્તિ વિગતો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે વાત કરવાનું બંધ કરી શકતું નથી. સેટથી લઈને કોસ્ચ્યુમ સુધી, પૃષ્ઠભૂમિની ઝાંખપ કે દરેક ફ્રેમ, દરેક પાત્રોનો અભિનયે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. બોલીવુડ સેલેબ્સ સહિત દર્શકો પણ ફિલ્મને પસંદ કરી રહ્યા છે.


