અમદાવાદ જિલ્લા ડેરી સંઘ અને પશુપાલકો વચ્ચેનો ગજગ્રાહ હવે રસ્તા પર જોવા મળી રહ્યો છે.ગાંધીનગર જિલ્લા સંઘની મધુર ડેરીમાં દૂધ સ્વીકારવા પર મુકાયેલા પ્રતિબંધને પગલે પશુપાલકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
ગાંધીનગરના દહેગામમાં દૂધના ભાવ અને ડેરી સંઘો વચ્ચેના વિવાદે જોર પકડ્યું છે.અમદાવાદ જિલ્લા ડેરી સંઘ અને પશુપાલકો વચ્ચેનો ગજગ્રાહ હવે રસ્તા પર જોવા મળી રહ્યો છે.ગાંધીનગર જિલ્લા સંઘની મધુર ડેરીમાં દૂધ સ્વીકારવા પર મુકાયેલા પ્રતિબંધને પગલે પશુપાલકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.દહેગામમાં પશુપાલકોનો પારો સાતમા આસમાને પહોંચ્યો છે.ગઈકાલે રાત્રે નહેરુ ચોકડી પર ચક્કાજામ કર્યા બાદ આજે સવારે પશુપાલકોના ટોળેટોળાં રસ્તા પર ઉતરી આવ્યા હતા.

પશુપાલકોએ અમદાવાદ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સામે મોરચો માંડ્યો છે. વિરોધના પ્રતીક રૂપે પશુપાલકોએ રસ્તા પર દૂધના કેન ઠાલવી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.નહેરુ ચોકડીથી દૂધ કેન્દ્ર સુધી રેલી કાઢવામાં આવી હતી.પશુપાલકો દૂધ કેન્દ્રને તાળાબંધી કરવાના મક્કમ નિર્ધાર સાથે આગળ વધ્યા હતા.પરંતુ પોલીસની સતર્કતા અને સમજાવટને કારણે મામલો શાંત પડ્યો હતો.
પશુપાલકોએ અમદાવાદ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી આકાશ ગજવી દીધું હતું. પશુપાલકોનું આ ટોળું ત્યારબાદ દહેગામ મામલતદાર કચેરીએ પહોંચ્યું હતું, જ્યાં ન્યાયની માંગ સાથે આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. પશુપાલકો પોતાની રજૂઆત કરવા માટે ગાંધીનગર કલેક્ટર કચેરી તરફ રવાના થયા છે.પશુપાલકોની ચીમકી છે કે જો વહેલી તકે આ વિવાદનો ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે.


