અંકલેશ્વર તાલુકાના એક ગામમાં સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. લગ્નની ખોટી લાલચ આપી સગીરાનું શારીરિક શોષણ કરનારા બે યુવાનોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ગામમાં જ રહેતા સાગર વસાવા અને સુમિત વસાવા નામના બે શખ્સોએ સગીરાને લગ્ન કરવાની જાળમાં ફસાવી તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ અત્યાચારના કારણે સગીરાને ૬ માસનો ગર્ભ રહી ગયો હતો. સગીરાના શરીરમાં આવતા શારીરિક ફેરફારને જોઈ પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા અને પૂછપરછ કરતા સમગ્ર ભયાનક સત્ય બહાર આવ્યું હતું.

સગીરાના પરિવારે આ મામલે અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે તાત્કાલિક ટીમ બનાવી તપાસ હાથ ધરી મુખ્ય આરોપી સાગર વસાવા અને તેને સાથ આપનાર સુમિત વસાવાને ઝડપી પાડ્યા હતા. પોલીસે આ મામલે દુષ્કર્મ અને પોક્સો (POCSO) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


