અંકલેશ્વર શહેર બી-ડિવિઝન પોલીસે ગત ૧૬મી ઓક્ટોબરના રોજ નેશનલ હાઈવે ૪૮ પર માંડવા ટોલ પ્લાઝા નજીકથી એક ટ્રકમાં પ્લાસ્ટિકની બેગની આડમાં બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી ₹૧.૩૬ કરોડની કિંમતની વિદેશી દારૂની ૨૬,૦૦૦ બોટલો ઝડપી પાડી હતી.

આ ચકચારી કેસમાં લાંબા સમયથી વોન્ટેડ એવા મુખ્ય સૂત્રધાર રાકેશ શબ્બીરસિંગ જાટને પોલીસે વડોદરાથી દબોચી લીધો છે. હરિયાણાના વતની એવા આ આરોપીની ધરપકડથી આંતરરાજ્ય દારૂ તસ્કરીના મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. ઉલ્લેખનીય છે કે, આ કાર્યવાહીમાં પોલીસે ટ્રક અને મોબાઈલ સહિત કુલ ₹૧.૫૧ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે દારૂનો આ જંગી જથ્થો કચ્છના ગાંધીધામના કુખ્યાત બુટલેગરોએ મંગાવ્યો હતો. હાલ પોલીસે રાકેશ જાટ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને આ રેકેટમાં સંડોવાયેલા અન્ય શખ્સો સુધી પહોંચવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


