દેશની અગ્રણી એરલાઇન ઇન્ડિગોમાં સર્જાયેલી સ્ટાફની અછતની કટોકટીનો આજે સોમવારે (8 ડિસેમ્બર) છઠ્ઠો દિવસ છે. પાઇલટ્સ અને ક્રૂ-મેમ્બર્સની અછતને કારણે ગુજરાતના હવાઈ નેટવર્ક પર મોટી અસર પડી છે. રાજ્યના મુખ્ય એરપોર્ટ્સ પરથી આજે ઇન્ડિગોની અંદાજિત 26 ફ્લાઈટ્સ રદ થતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
અમદાવાદ એરપોર્ટ પર પરિસ્થિતિ વિકટ બની છે. એરપોર્ટની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી મુજબ, આજની દિવસભરની આવતી અને જતી મળીને કુલ 44 ફ્લાઈટ્સ પર અસર પડી છે. જેમાં સવારના 9 વાગ્યા સુધીમાં જ 18 ફ્લાઈટ રદ કરી દેવામાં આવી હતી. અચાનક ફ્લાઈટ રદ થતા એરપોર્ટ પર મુસાફરો પરેશાન જોવા મળ્યા હતા.

તો બીજી તરફ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પણ મુસાફરોનો ગુસ્સો સાતમા આસમાને છે. આજે અહીંથી ઓપરેટ થતી 8માંથી 4 મહત્વની ફ્લાઈટ્સ (મુંબઈ, ગોવા, હૈદરાબાદ, બેંગલુરુ) રદ કરવામાં આવી છે. શુક્રવારથી શરૂ થયેલો આ સિલસિલો રવિવાર અને સોમવારે પણ યથાવત રહેતા પ્રવાસીઓ અટવાયા છે.
જો સુરત અને વડોદરાની સ્થિતિ પણ પરિસ્થિતિ અમદાવાદ અને વડોદરા જેવી જ છે. સુરત એરપોર્ટ પરથી કોલકાતા, હૈદરાબાદ અને દિલ્હી જતી 3 ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે. જોકે, રાહતની વાત એ છે કે પાંચ દિવસના લાંબા વિરામ બાદ સુરતમાં હૈદરાબાદ અને દિલ્હીથી ફ્લાઈટનું લેન્ડિંગ શરૂ થયું છે. વડોદરામાં પણ મુંબઈની કનેક્ટિવિટી તૂટતા મુસાફરો રઝળી પડ્યા છે.
લગ્નસરા અને વેકેશનના માહોલ વચ્ચે ઇન્ડિગોના મિસ-મેનેજમેન્ટને કારણે અગાઉથી બુકિંગ કરાવનાર મુસાફરોને છેલ્લી ઘડીએ મોંઘી ટિકિટો લેવી પડી રહી છે અથવા પ્રવાસ રદ કરવો પડી રહ્યો છે.


