આમોદ નગરપાલિકા પ્રશાસનની ઘોર નિષ્કાળજી હવે નગરજનો માટે જીવલેણ સાબિત થઈ રહી છે. પાલિકા કચેરીની બિલકુલ સામે જ લાંબા સમયથી એક વિશાળ ભુવો પડેલો હોવા છતાં તંત્ર તેને પૂરવામાં નિષ્ફળ રહ્યું છે. બીજી તરફ શહેરની શાન ગણાતું ઐતિહાસિક ટાવર પણ ગમે ત્યારે ધરાશાયી થાય તેવી હાલતમાં હોવાથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
નવાઈની વાત એ છે કે જે કચેરીમાં બેસીને અધિકારીઓ આખા શહેરના વિકાસના દાવા કરે છે, તે કચેરીના દરવાજા પાસે જ મોટો ભુવો પડેલો છે. આ ભુવામાં અનેક વાહનચાલકો ખાબક્યા છે અને અનેક વૃદ્ધો-મહિલાઓ ઈજાગ્રસ્ત થયા છે. અગાઉ સામાજિક જવાબદારીના ભાગરૂપે મેડિકલ સંસ્થાએ આ ખાડો પૂર્યો હતો, પરંતુ પાલિકાની નબળી કામગીરીને કારણે તે ફરીથી જીવલેણ બન્યો છે.

માત્ર ભુવો જ નહીં, શહેરનું ઐતિહાસિક ટાવર પણ હાલમાં કાટમાળમાં ફેરવાઈ રહ્યું છે. ટાવરમાંથી પથ્થરો અને ઈંટો નીચે પડતા હોવાથી રાહદારીઓ ભયના ઓથાર નીચે પસાર થાય છે. ભૂતકાળમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવા છતાં પાલિકા તંત્રના પેટનું પાણી હલતું નથી.સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, ચીફ ઓફિસર પંકજ નાયક અને પાલિકાના સત્તાધીશોને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ પરિણામ શૂન્ય આવ્યું છે. જો આગામી દિવસોમાં કોઈ ગંભીર અકસ્માત સર્જાશે તો તેની જવાબદારી કોની? તેવો સવાલ આમોદની જનતા ઉઠાવી રહી છે.


