ભારત સરકારની આયુષ્માન ભારત – PM-JAY યોજના ભરૂચ જિલ્લાના જરૂરિયાતમંદ પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.

ખાસ કરીને નેત્રંગ જેવા આદિવાસી વિસ્તારમાં આ યોજના ગરીબ નાગરિકો માટે જીવનરક્ષક કવચ બની છે, જ્યાં છેલ્લા એક વર્ષમાં વિવિધ ગંભીર બીમારીઓની સારવાર થકી લોકોના રૂપિયા ૧૧ લાખથી વધુની બચત થઈ છે. નેત્રંગના ૮૨ વર્ષીય વૃદ્ધ ભીમજીભાઈ પરમાર હોય કે હૃદયરોગથી પીડાતા શાંતિલાલ પ્રજાપતિ, આ તમામ દર્દીઓને આયુષ્માન કાર્ડના આધારે ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં ડાયાલિસીસ, સ્ટેન્ટ મૂકવા તેમજ કિડનીના ઓપરેશન જેવી મોંઘી સારવાર સંપૂર્ણપણે વિનામૂલ્યે અને કેશલેસ પદ્ધતિથી મળી રહી છે. નેત્રંગ સામૂહિક આરોગ્ય કેન્દ્રના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. અમરેન્દ્ર નારાયણસિંહના જણાવ્યા મુજબ, હોસ્પિટલમાં કાર્યરત સહાયતા કેન્દ્ર દ્વારા નાગરિકોને સતત માર્ગદર્શન આપી આર્થિક ભારણ ઘટાડવામાં સફળતા મળી છે. નોંધનીય છે કે, આ યોજના અંતર્ગત પાત્ર પરિવારોને વર્ષે ₹૫ લાખ સુધીની મફત સારવાર મળે છે, જેમાં કેન્સર, કિડની અને હૃદયરોગ જેવી જટિલ બીમારીઓનો પણ સમાવેશ થાય છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પાત્ર નાગરિકોને નજીકના CSC સેન્ટર પરથી આયુષ્માન કાર્ડ કઢાવી આ યોજનાનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.


