મહિલા અને બાળ અધિકારીની કચેરી, પોરબંદર દ્વારા “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજના અંતર્ગત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, ખંભાળા, તા. રાણાવાવ ખાતે ‘કિશોરી મેળા’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારની કિશોરીઓને મહિલા સુરક્ષા, વ્યક્તિગત આરોગ્ય તથા ગુણવત્તાયુક્ત શિક્ષણના વિવિધ પાસાઓ અંગે જાગૃત કરી તેમને સશક્ત બનાવવાનો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત મહિલા અને બાળ અધિકારી હંસાબેન ટાઢાણીએ કિશોરીઓને સંબોધતા મહિલા સુરક્ષા અને સલામતી માટે ઉપલબ્ધ કાયદાકીય કવચ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. સમાજમાં બનતી અનિચ્છનીય ઘટનાઓ સામે કઈ રીતે સચેત રહેવું તથા કાયદાકીય સહાય કેવી રીતે મેળવવી તે બાબતે તેમણે માર્ગદર્શન આપ્યું હતું.
“સંકલ્પ” ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનની ડિસ્ટ્રિક્ટ મિશન કો-ઓર્ડિનેટર ડો. સંધ્યાબેન જોશીએ શિક્ષણના પાયાના મહત્વ પર પ્રકાશ પાડી, દીકરીઓ વિવિધ ક્ષેત્રોમાં કેવી રીતે ઉજ્જવળ કારકિર્દી બનાવી શકે તે માટે પ્રેરણા આપી હતી.

ટેકનોલોજીના યુગમાં ડિજિટલ સુરક્ષાનું મહત્વ સમજાવતા જેન્ડર સ્પેશિયાલિસ્ટ ચિરાગ દવે દ્વારા સાયબર સિક્યુરિટીના વિવિધ પાસાઓ, જેમ કે સોશિયલ મીડિયાનો સલામત ઉપયોગ, ઓનલાઈન છેતરપિંડી અને હેકિંગથી બચવા માટેની જરૂરી સાવચેતીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત, કિશોરીઓને શારીરિક પરિવર્તન દરમિયાન માસિક સ્વચ્છતાનું મહત્વ તથા વ્યક્તિગત હાઈજીન જાળવવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અંગે માહિતી આપવામાં આવી હતી અને હાઈજીન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ શૈક્ષણિક કાર્યક્રમમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની કુલ ૧૦૨ વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની જિજ્ઞાસાઓનું સમાધાન કર્યું હતું. કાર્યક્રમમાં “સંકલ્પ” ટીમના સૌરભભાઈ મારુ, સમગ્ર શિક્ષા અભિયાનના જેન્ડર કો-ઓર્ડિનેટર વૈશાલીબેન પટેલ, ખંભાળા વિદ્યાલયના વોર્ડન મોરી મયુરિકા બહેન તેમજ અન્ય સ્ટાફ સભ્યો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.કાર્યક્રમનું આયોજન મહિલા અને બાળ અધિકારી હંસાબેન ટાઢાણીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું તથા “સંકલ્પ” ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનની ટીમ દ્વારા તેનું સંચાલન કરવામાં આવ્યું હતું.
Reporter : વિરમભાઈ કે. આગઠ


