ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નો, ગ્રામ્ય વિકાસ અને લોકહિતના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને આમ આદમી પાર્ટી દ્વારા પોરબંદર જિલ્લામાં ‘કિસાન જનસંપર્ક પદયાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. મોઢવાડાથી લીરબાઈ માતાના આશીર્વાદ મેળવીને વિસાવાડાના શ્રીકૃષ્ણ ચરણ સુધી નીકળનારી આ પદયાત્રાનો પ્રારંભ તા.૨૨/૧૨/૨૦૨૫ના રોજ બપોરે ૧૨:૩૦ કલાકે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવીના હસ્તે મોઢવાડાથી કરવામાં આવશે.
છ દિવસ સુધી ચાલનારી આ પદયાત્રાનું સંયુક્ત નેતૃત્વ લોકપ્રિય ખેડૂત નેતા તથા આમ આદમી પાર્ટીના જિલ્લા મહામંત્રી હિતેષભાઈ મોઢવાડીયા સહિતની ટીમ કરશે. પદયાત્રા દરમિયાન આમ આદમી પાર્ટીના નેતાઓ પોરબંદર જિલ્લા પંચાયતની છ બેઠકો, તાલુકા પંચાયતની નવ બેઠકો તથા ત્રીસથી વધુ ગામડાઓમાં પગપાળા ફરી ખેડૂતો સાથે સીધો સંવાદ અને મુલાકાત કરશે. ખેડૂતોના પાક ભાવ, સિંચાઈ, વીજળી, ખાતર-બીજ, દેવા માફી અને ગ્રામ્ય રોજગાર જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

છ દિવસીય પદયાત્રા મોઢવાડા ગામે તા.૨૨/૧૨/૨૦૨૫ સોમવાર ના રોજ ભગવતી લીરબાઈ માતાજીની પાવન બીજ મહોત્સવ ના દિવસે બપોરના લીરબાઈ માતાજીની પ્રસાદી ગ્રહણ કરી મોઢવાડાથી આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી પ્રસ્થાન કરાવશે
જે પદયાત્રા બરડા પંથકના શીશલી, શિંગડા અને ફટાણા પ્રથમ રાત્રી રોકાણ કરશે. ફટાણાથી તા.૨૩ સવારના નીકળી ફટાણા થી મજીવાણા ત્યાંથી સોઢાણા,અડવાણા અને પારાવાળા બીજી રાત્રિ રોકાણ કરશે. જ્યારે ૨૪ તારીખના સવારના પારાવાળા નીકળી પદયાત્રા મોરાણા ,કુણાવદર ત્યાંથી ખાંભોદર ત્રીજી રાત્રિ કરશે. ખાંભોદર થી સવારના પદયાત્રા નીકળી સવારના નાગકા,બાવરવા, ગોઢાણા, કાટવાણા અને ત્યાંથી બખારલા ચોથી રાત્રી રોકાણ કરશે બખારલાથી સવારના નીકળી પાંડાવદર,દેગામ અને કુછડી પાંચમી રાત્રી રોકાણ કરશે. અને કુછડી થી સવારના નીકળી કાંટેલા,રાતડી, પાલખડા અનેક શ્રી કૃષ્ણના ચરણ એવા વીંઝાત ભગતના વિસાવાડા ગામે કિસાન પદ યાત્રા સમાપન થશ
આમ છ દિવસીય પદયાત્રા દરમ્યાન દરરોજ રાત્રી રોકાણ ગામે ગ્રામ્ય વિસ્તારોમાં લોકદરબારનું આયોજન કરવામાં આવશે, જેમાં ખેડૂતો ખુલ્લેઆમ પોતાના પ્રશ્નો અને વ્યથા રજૂ કરી શકશે. આ લોકદરબારોમાં ડો. નૂતનબેન ગોકાણી, લીલુબેન ભૂતિયા, શહેર પ્રમુખ ચેતનભાઈ સવજાણી, પોરબંદર જિલ્લા પ્રમુખ પરબતભાઈ બાપોદરા, દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રમુખ રામજીભાઈ પરમાર, ખેડૂત નેતા વીરુભાઈ છેતરીયા, પોરબંદર લોકસભા પ્રભારી મહેશભાઈ કોટડીયા, ભાર્ગવભાઈ જોષી, સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખો રાજુભાઈ બોરખતરીયા અને પ્રકાશભાઈ દોંગા, પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજસિંહ સોલંકી, પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠીયા, ધારાસભ્ય હેમંતભાઈ ખવા તથા ચૈતરભાઈ વસાવા સહિતના આગેવાનો ખેડૂતો સાથે સંવાદ કરશે.
વિસાવાડા ખાતે પદયાત્રાના સમાપન સમયે યોજાનારી જાહેર સભામાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઈટાલીયા હાજરી આપી પોરબંદરના ખેડૂતો સાથે સીધી મુલાકાત અને ચર્ચા કરશે.
તાજેતરના સમયમાં ગુજરાત ભરમાં આમ આદમી પાર્ટીનું સંગઠનાત્મક કદ અને લોકસમર્થન સતત વધતું જઈ રહ્યું છે. ખાસ કરીને ખેડૂતો, યુવાનો અને સામાન્ય નાગરિકોના પ્રશ્નોને લઈને પાર્ટી મેદાનમાં સક્રિય બનતી જોવા મળી રહી છે. પોરબંદર કિસાન જનસંપર્ક પદયાત્રા એ આમ આદમી પાર્ટીના આ વધતા પ્રભાવ અને જનસંપર્કને વધુ મજબૂત બનાવવાનો મહત્વનો પ્રયાસ ગણાઈ રહ્યો છે. આ પદયાત્રા દ્વારા પાર્ટી ગામડાઓ સુધી પહોંચીને ખેડૂતોના વિશ્વાસને વધુ દૃઢ બનાવશે તેવી રાજકીય વર્તુળોમાં ચર્ચા છે.
રિપોર્ટર: વિરમભાઈ કે. આગઠ


