E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratGujarat : ગુજરાતમાં લગ્ન નોંધણીના નિયમોમાં ધરખમ ફેરફારની તૈયારી, ભાગીને લગ્ન કરનારા...

Gujarat : ગુજરાતમાં લગ્ન નોંધણીના નિયમોમાં ધરખમ ફેરફારની તૈયારી, ભાગીને લગ્ન કરનારા મુશ્કેલીમાં મૂકાશે

ગુજરાત વિધાનસભામાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક અત્યંત સંવેદનશીલ અને સામાજિક મહત્ત્વ ધરાવતા નિર્ણયની જાહેરાત કરી છે. રાજ્ય સરકાર ‘ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ-2006’ના નિયમોમાં ધરખમ સુધારા કરવા જઈ રહી છે. આ સુધારા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રેમલગ્નના નામે થતી છેતરપિંડી રોકવાનો અને લગ્ન પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાનો છે.

ગુજરાતમાં સરકારે રાજ્યમાં લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. ભાગીને પ્રેમ લગ્ન વિરુદ્ધ છેલ્લા ઘણા સમયથી વિવિધ સમાજની સંસ્થાઓ નિયમો કડક કરવા માંગ કરી રહી હતી. એવામાં હવે જો તમે લગ્નની નોંધણી કરાવવા જશો તો માતા-પિતાને 10 દિવસમાં તેની જાણ કરાશે.

લગ્નની નોંધણી સમયે વર-વધુએ માતા-પિતાને જાણ કરી છે કે નહીં તેનું ડિક્લેરેશન આપવાનું રહેશે. માતા-પિતાના આધાર કાર્ડ, સરનામું અને મોબાઈલ નંબર પણ આપવા પડશે. જે બાદ આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર દ્વારા 10 દિવસમાં માતા-પિતાને જાણ કરાશે. લગ્ન નોંધણીની તમામ વિગતો ઓનલાઈન પોર્ટલમાં મૂકાશે જેમાં સિરિયલ નંબર, પેજ નંબર, વોલ્યુમ નંબરની વિગતો મૂકવામાં આવશે.

સરકારે આ નિયમોમાં સુધારો કરવા માટે લોકશાહી અભિગમ અપનાવ્યો છે. આગામી 30 દિવસ સુધી રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા લોકો પાસેથી વાંધા અને સૂચનો મંગાવવામાં આવ્યા છે. નાગરિકો આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઇટ પર પોતાના મંતવ્યો મોકલી શકશે, જેના આધારે નવા નિયમોને અંતિમ ઓપ આપવામાં આવશે.

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દીકરીઓના પ્રેમલગ્ન અને ત્યારબાદ પરિવારોમાં સર્જાતી પીડા અંગે સામાજિક આંદોલનો ચાલી રહ્યા હતા. ખાસ કરીને પાટીદાર સમાજ અને અન્ય ક્ષત્રિય-ઠાકોર સમાજની સંસ્થાઓએ લાંબા સમયથી માંગ કરી હતી કે લગ્ન નોંધણી વખતે માતા-પિતાની સહી ફરજિયાત હોવી જોઈએ. લગ્ન જે તે સ્થાનિક વિસ્તાર(ગામ કે તાલુકા)માં જ નોંધવા જોઈએ.

અગાઉ અનેક સામાજિક સંગઠનોએ સચિવાલયમાં રજૂઆતો કરી હતી. આ મુદ્દે માત્ર સત્તાધારી પક્ષ જ નહીં, પરંતુ વિરોધ પક્ષના નેતાઓએ પણ અવાજ ઉઠાવ્યો હતો. વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ સરકારના આ નિર્ણયને આવકારતા ભાવુક થઈને જણાવ્યું હતું કે, “આ ગુજરાતની વર્ષો જૂની પીડા છે. આ બિલ માટે હું બે વર્ષથી કામ કરતો હતો, આજે સરકારને અભિનંદન આપવા હું ઘરેથી ચાલીને આવીશ અને પાઘડી પહેરાવીશ.”

હર્ષ સંઘવીએ ગૃહમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આ વિષય પર વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. ઘણી બધી સામાજિક સંસ્થાઓની રજૂઆતોને ધ્યાને રાખીને સરકાર એવા નિયમો બનાવવા માંગે છે કે જેથી કરીને સામાજિક માળખું જળવાઈ રહે અને કોઈ પણ પક્ષે અન્યાય ન થાય. લગ્ન નોંધણીની પ્રક્રિયામાં ડિજિટાઇઝેશન અને સ્થાનિક સાક્ષીઓની હાજરી જેવા મુદ્દાઓ પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે.

આ સુધારો માત્ર કાયદાકીય પ્રક્રિયા નથી, પરંતુ ગુજરાતના સામાજિક તાણાવાણાને સુરક્ષિત રાખવાનો પ્રયાસ છે. હવે જોવાનું એ રહેશે કે 30 દિવસમાં આવનારા સૂચનો બાદ સરકાર ‘માતા-પિતાની સંમતિ’ના કયા સ્તરને કાયદાકીય સ્વરૂપ આપે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments