જામનગરના પ્રદર્શન મેદાનમાં સાંસદ ખેલ મહોત્સવ ની તૈયારી ચાલતી હોવાથી આજે ત્યાં ભરાતી ગુજરી બજારને બંધ કરવામાં આવી હતી, અને મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ તથા પોલીસ ટુકડીએ તમામ ધંધાર્થીઓને પ્રદર્શન મેદાનમાંથી બહાર કાઢ્યા હતા.

ત્યારબાદ રેકડી પથારા સહિતના કેટલાક ધંધાર્થીઓ મિગ કોલોની રોડ પર પથારા પાથરીને બેસી જતાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. હાલ ત્યાં એસટી ડિવિઝન કાર્યરત હોવાથી એસ.ટી. બસોને પણ નીકળવા માટે મુશ્કેલ પડે તે રીતે રેકડી પથારાવાળાઓ ગોઠવાયા હોવાથી એસ્ટેટ શાખાની ટુકડી દોડતી થઈ હતી, અને ત્યાંથી તમામને ખસેડવામાં આવ્યા છે. તંત્ર દ્વારા કેટલીક રેકડી કબજે પણ કરી લેવાઇ છે. આ સમગ્ર કાર્યવાહી સમયે ભારે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો.


