HomeGujaratGujarat : જામનગરમાં 'ગુજસીટોક'માં સંડોવાયેલા 3 આગેવાનો પણ ચૂંટણી જંગમાં મેદાને

Gujarat : જામનગરમાં ‘ગુજસીટોક’માં સંડોવાયેલા 3 આગેવાનો પણ ચૂંટણી જંગમાં મેદાને

ગુજરાતનું ‘છોટા કાશી’ ગણાતું જામનગર અત્યારે માત્ર તેના ઉદ્યોગો કે બાંધણી માટે નહીં, પરંતુ રાજકીય ગરમાવાને કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે એવો ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે, જે લોકશાહીની મૂલ્યનિષ્ઠા સામે અનેક સવાલો ઉભા કરે છે. જામનગરના રાજકીય ફલક પર પ્રથમ વખત એવા ત્રણ આગેવાનો નસીબ અજમાવવા જઈ રહ્યા છે, જેમના પર રાજ્યના સૌથી કડક કાયદા પૈકીના એક એવા ‘ગુજસીટોક’ હેઠળ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.

જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીમાં જે પ્રકારની ઉમેદવારોની પસંદગી થઈ રહી છે, તે જોતા સ્પષ્ટ લાગે છે કે રાજકીય પક્ષો માટે જીત એ જ એકમાત્ર માપદંડ બની ગયો છે. કોંગ્રેસ દ્વારા વોર્ડ નં.૧૬માં પૂર્વ કોર્પોરેટર અતુલ ભંડેરીની પસંદગી કરવામાં આવી છે. તેમનો રાજકીય પ્રવાસ પક્ષપલટાથી ભરેલો રહ્યો છે. સૌપ્રથમ કોંગ્રેસ, પછી ભાજપ અને હવે ફરી કોંગ્રેસ. જો કે, તેમની ઓળખ માત્ર પક્ષપલટા પૂરતી મર્યાદિત નથી. અગાઉ ગુજસીટોક પ્રકરણમાં સંડોવાયેલા હતા અને જેલવાસ પણ ભોગવી ચૂક્યા છે. હાલ જામીન પર મુક્ત થતાં જ તેમને પક્ષે ટિકિટ આપતા રાજકીય વર્તુળમાં ભારે ગણગણાટ જોવા મળી રહ્યો છે.

બીજી તરફ કોંગ્રેસના જ પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફ ખફી પણ આ વખતે ચૂંટણી મેદાનમાં છે. તેમનું નામ પણ ગુજસીટોકના ગંભીર ગુનાઓમાં ઉછળ્યું હતું. પક્ષના પૂર્વ હોદ્દેદાર હોવાના નાતે તેમની પકડ મજબૂત મનાય છે, પરંતુ અપરાધના ઓછાયા હેઠળની તેમની ઉમેદવારી વિરોધ પક્ષ માટે મોટું હથિયાર બની રહી છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ ‘રાજકારણના અપરાધીકરણ’ની રેસમાં પાછળ નથી. ‘આપ’ તરફથી પૂર્વ કોર્પોરેટર અસલમ ખિલજી મેદાનમાં છે. નોંધનીય છે કે, તેમની સામેના કેસો એટલા ગંભીર છે કે તેમને ચૂંટણી લડવા માટે રાજકોટની કોર્ટ પાસેથી ખાસ મંજૂરી મેળવવી પડી છે. 

માત્ર ગુજસીટોક જ નહીં, ભ્રષ્ટાચારના કેસો પણ આ ચૂંટણીમાં મુખ્ય મુદ્દો છે. વોર્ડ નં. 6માં ગત ટર્મમાં બસપાના સિમ્બોલ પરથી ચૂંટાયેલા પૂર્વ કોર્પોરેટર, જેઓ મનપાની કચેરીમાં જ લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા, તેઓ પણ હવે પંજાના સહારે મેદાનમાં ઉતરે તેવી પૂરેપૂરી શક્યતા છે. જેલમાં જઈ આવ્યા બાદ બે દિવસ પહેલા જ તેમનું કોંગ્રેસમાં સ્વાગત કરવામાં આવ્યું છે, જે પક્ષની નૈતિકતા સામે મોટા પ્રશ્નાર્થ ચિન્હો ઉભા કરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments