HomeGujaratGujarat : જામનગરમાં ભાડે રાખવાના બહાને 14 વાહન ગીરવે મૂકીને છેતરપિંડી

Gujarat : જામનગરમાં ભાડે રાખવાના બહાને 14 વાહન ગીરવે મૂકીને છેતરપિંડી

જામનગરના ગુણાતીતાનંદ નગરમાં રહેતા પિતા-પુત્રએ ટ્રાવેલ્સ એજન્સીના નામે લોકોની મોંઘીદાટ ગાડીઓ ભાડે ફેરવવા માટે મેળવી, ત્યારબાદ તે વાહનો અન્ય લોકો પાસે ગીરવે મૂકી દઈ અડધા કરોડથી વધુની છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું છે. જેથી પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં પિતા-પુત્રને દબોચી લીધા છે.

જામનગરના સીટી ‘સી’ ડિવિઝન પોલીસ મથકમાં ધૂ્રવરાજસિંહ જાડેજા નામના યુવાને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, ગુણાતીતાનંદ નગરમાં રહેતા અને વાહનો ભાડે ફેરવવાનો વ્યવસાય કરતા સંજય નકુમ અને તેમના પિતા રણમલ કુરજીભાઈ નકુમે ટ્રાવેલ્સ એજન્સીમાં ગાડીઓની જરૂર છે કહીને સારા ભાડાની લાલચ આપી ફરિયાદી અને તેમના પરિચિતોને વિશ્વાસમાં લીધા હતા. જેથી ૧૪ જેટલી ગાડીઓ આ પિતા-પુત્રને સોંપી હતી. આ ઉપરાંત રૂા. ૫.૧૦ લાખ રોકડા પણ લીધા હતા. બાદમાં પિતા-પુત્ર ગાડીઓ અને નાણાં લઈને રફુચક્કર થઈ ગયા હતા. જેથી તપાસ કરતા જાણવા મળ્યું કે, બન્નેએ આ તમામ ૧૪ ગાડીઓ જામનગરના અલગ-અલગ વ્યક્તિઓ પાસે બારોબાર ગીરવે મૂકી દીધી હતી. આ વાહનો ગીરવે મૂકીને તેના પર ૧૦% થી ૩૦% સુધીના ઉંચા વ્યાજે મોટી રકમ મેળવી લીધી હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલ્યું હતું.આ ઘટનાની ગંભીરતાને જોતા સીટી સી-ડિવિઝનના પીઆઈ પી.કે. ડાભી તેમજ તેમની ડી-સ્ટાફની ટીમે તાત્કાલિક ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરી આરોપી સંજય નકુમ અને રણમલભાઈ નકુમને શોધી કાઢી ધરપકડ કરીને ૮ ગાડીઓ શોધીને કબજે કરી હતી. હાલની ફરિયાદમાં ૧૪ ગાડીઓનો ઉલ્લેખ છે, પરંતુ પોલીસને આશંકા છે કે ૨૫થી વધુ વાહનો તફડાવ્યા હોઈ શકે છે. જેથી છેતરપિંડીનો આંકડો પોણા કરોડ રૂપિયા સુધી પહોંચે તેવી શક્યતા છે.

મોડસ ઓપરેન્ડીઃ ભાડાનું બહાનું અને વ્યાજનો ખેલ

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ પિતા-પુત્રની જોડી ખૂબ જ શાતિર રીતે ગુનાને અંજામ આપતી હતી. તેઓ લોકો પાસેથી કાર મેળવી લીધા બાદ માલિકોને ભાડું ચૂકવતા નહોતા. જ્યારે ગાડી માલિકો ભાડું માંગતા, ત્યારે ‘હજુ કંપનીમાંથી પેમેન્ટ આવ્યું નથી’ અથવા ‘હિસાબ બાકી છે’ તેવા બહાના બતાવી સમય પસાર કરતા હતા.વ્યાજખોરો સામે ફરિયાદ કરવા જતાં સકંજામાં આવ્યા

ચકચારી કાર ચિટીંગના આરોપી સંજય રમણભાઈ નકુમ અને તેમના પિતાએ થોડા દિવસો પહેલા રાજકોટ રેન્જ ડીઆઈજી સમક્ષ વ્યાજખોરો સામે ફરિયાદ કરી હતી. જોકે, પોલીસ તપાસમાં ચોંકાવનારો વળાંક આવ્યો હતો કે આ પિતા-પુત્ર અનેક લોકોની કાર ભાડે લઈ છેતરપિંડી આચરી ફરાર થઈ ગયા હતા. બીજી તરફ પોલીસે પિતા-પુત્રની પણ ફરિયાદના આધારે જામનગરના દિવ્યરાજસિંહ, મયુરસિંહ, સહદેવસિંહ અને કરણસિંહ જાડેજા સામે ગુનો નોંધ્યો છે. આ શખ્સોએ ૧૦% થી ૩૦% જેટલા રાક્ષસી વ્યાજે નાણાં આપી, ૪૦ કોરા ચેક પડાવી લીધા હતા અને અત્યાર સુધીમાં રૂા.૨૧ લાખ જેટલું વ્યાજ વસૂલ્યું હોવાનો આરોપ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments