ડાંગ જિલ્લાના ઉત્તર વન વિભાગ હેઠળ આવતી બારડીપાડા રેન્જમાં આજે બપોરે એક અત્યંત કરુણ અને ભયાનક ઘટના સામે આવી છે. માહાલના જંગલ વિસ્તારમાં દીપડાએ માસૂમ બાળક પર હુમલો કરતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે તેને બચાવવા ગયેલા દાદી પણ ઈજાગ્રસ્ત થયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, માહાલ ગામનો ૭ વર્ષીય બાળક રિતિક આજે બપોરે આશરે ૨:૦૦ વાગ્યાના સુમારે પોતાની દાદી સાથે જંગલ વિસ્તારમાં ઢોર ચરાવવા માટે ગયો હતો. બાળક અને દાદી જ્યારે પશુઓને ચરાવવામાં વ્યસ્ત હતા, ત્યારે ઝાડીઓમાં છુપાઈને બેઠેલા દીપડાએ અચાનક રિતિક પર જીવલેણ હુમલો કર્યો હતો.
દીપડાએ બાળકની ગરદનના ભાગે પકડ જમાવી દેતા રિતિક લોહીલુહાણ થઈ ગયો હતો. પૌત્રને બચાવવા માટે દાદીએ હિંમત બતાવી દીપડાનો સામનો કર્યો હતો, જેમાં દીપડાએ તેમને પણ પંજા મારી ઈજા પહોંચાડી હતી. જોકે, હુમલો એટલો ગંભીર હતો કે માસૂમ રિતિકે ટૂંકી જ વારમાં દમ તોડી દીધો હતો બનાવની જાણ થતા જ ગામના લોકો અને ઉત્તર વન વિભાગ (બારડીપાડા રેન્જ) ના વનકર્મીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વન વિભાગે બાળકના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઈજાગ્રસ્ત દાદીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સ્થાનિકોમાં ફફડાટ
આ ઘટનાને પગલે સમગ્ર માહાલ પંથકમાં ભારે ગમગીની સાથે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. વન વિભાગ દ્વારા આદમખોર દીપડાને પાંજરે પૂરવા માટે તાત્કાલિક પાંજરું ગોઠવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. સ્થાનિક રહીશોએ વન વિભાગ પાસે માંગ કરી છે કે આ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવે જેથી અન્ય કોઈ જાનહાની ન થાય.


