પાટણ જિલ્લામાં ધિણોજ જિલ્લા પંચાયત બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે પોતાની ઉમેદવારી નોંધાવવા માટે આધુનિક ગાડીઓ છોડીને પરંપરાગત બળદગાડાની પસંદગી કરી હતી.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે, ત્યારે પાટણ જિલ્લામાં એક અનોખો નજારો જોવા મળ્યો હતો. ધિણોજ જિલ્લા પંચાયત બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે પોતાની ઉમેદવારી નોંધાવવા માટે આધુનિક ગાડીઓ છોડીને પરંપરાગત બળદગાડાની પસંદગી કરી હતી.

ભાજપના ઉમેદવારે ભારતીય સંસ્કૃતિ અને ગ્રામીણ રિવાજોને જીવંત રાખવાના ઉદ્દેશ્ય સાથે બળદગાડામાં સવાર થઈને ફોર્મ ભરવા જવાનું નક્કી કર્યું હતું. આ અનોખી રેલી ચાણસ્મા હાઈવેથી મામલતદાર કચેરી સુધી યોજાઈ હતી. રસ્તામાં આવતા લોકો માટે આ આકર્ષણનું કેન્દ્ર બની હતી અને મોટી સંખ્યામાં કાર્યકરો પણ આ રેલીમાં જોડાયા હતા.
ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં ઉમેદવારે જણાવ્યું હતું કે, જો તેઓ વિજેતા બનશે તો પાટણ જિલ્લાના અને ખાસ કરીને ધિણોજ વિસ્તારના બાકી રહી ગયેલા વિકાસના કામોને ‘ડબલ તાકાત’ થી વેગ આપશે. તેમણે મતદારોને ખાતરી આપી હતી કે ભાજપની સરકારમાં વિકાસની ગતિ અટકશે નહીં અને છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવામાં આવશે.


