અમદાવાદ જિલ્લાના ધોળકાના પોપટપરા વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં 170 લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થતાં એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક અસરગ્રસ્ત લોકોને સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પેટમાં દુઃખાવો થવા સાથે ઝાડા-ઉલટી (ડાયેરિયા અને વોમિટિંગ)ની ફરિયાદ થતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સમગ્ર મામલે આરોગ્ય વિભાગ દ્વારા સંભવિત કારણો જાણવા માટે દૂધીના હલવા અને પનીરના સેમ્પલ લઇ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં છે.
ધોળકાના પોપટપરા વિસ્તારમાં એક પરિવારના ઘરે લગ્ન પ્રસંગમાં એક હજાર લોકો માટે રસોઇ બનાવવામાં આવી હતી. ભોજન લીધા બાદ ગઈકાલે બુધવારે (10 ડિસેમ્બર) બપોરના ચાર વાગ્યાની આસપાસ કેટલાક લોકોને અચાનક ઝાડા-ઉલટી, પેટમાં દુઃખાવો થવા લાગ્યો હતો અને અસરગ્રસ્તોની સંખ્યા ધીમેધીમે વધતી રહી હતી અને મોડી રાત સુધીમાં 170 લોકોને ખોરાકી ઝેરની અસર થઈ હોવાનું જાણવા મળ્યું હતું.

આ પછી તાત્કાલિક ધોળકા, બાવળા, વટામણ અને કાવિઠા સહિત આસપાસના વિસ્તારોમાંથી દસથી વધુ 108 એમ્બ્યુલન્સની મદદથી અસરગ્રસ્તોને ધોળકાની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
સમગ્ર ઘટનાની જાણ થતાંની સાથે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમો સ્થળ પર પહોંચી હતી. આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારના 1100થી વધુ લોકોનો સર્વે પણ કરવામાં આવ્યો છે. તેમજ સંભવિત કારણો જાણવા માટે લગ્ન પ્રસંગના ભોજનમાંથી દૂધીના હલવા અને પનીરના સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા છે.


