ધ્રાંગધ્રા શહેરના રોકડિયા સર્કલથી ઘાટ દરવાજા સુધીના મુખ્ય માર્ગને તંત્ર દ્વારા ‘નો-પાકગ’ ઝોન જાહેર કરવામાં આવ્યો છે છતાં, રસ્તાની બંને બાજુએ વાહનોનો જમાવડો અને ગેરકાયદે દબાણો જોવા મળે છે. દુકાનદારો દ્વારા ફૂટપાથથી પણ આગળ વધારાનું દબાણ કરવામાં આવતા વાહનચાલકો અને રાહદારીઓ માટે રસ્તો સાંકડો બન્યો છે, જેના લીધે અવરજવરમાં ભારે મુશ્કેલી પડે છે.

શહેરના રોકડિયા સર્કલથી લઈને ઘાટ દરવાજા સુધીના રસ્તાને ‘નો-પાકગ’ ઝોન જાહેર કરવામાં આવ્યો છે છતાં મુખ્ય માર્ગ પર આડેધડ પાકગને કારણે જ્યારે એસ.ટી. બસ કે અન્ય મોટા વાહનો પસાર થાય છે, ત્યારે કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. સ્થાનિક બજારોમાં પોલીસ દ્વારા ટુ-વ્હીલર ટોઈંગ કરીને દંડ વસૂલવામાં આવે છે, પરંતુ નો-પાકગ ઝોનમાં ફેલાયેલા ગંભીર દબાણો સામે તંત્ર આંખ આડા કાન કરતું હોય તેવો રોષ લોકોમાં જોવા મળી રહ્યો છે.વારંવાર સર્જાતી ટ્રાફિકની સમસ્યાથી કંટાળીને વાહનચાલકો અને સ્થાનિક રહીશોએ તંત્ર પાસે કડક કાર્યવાહીની માંગ કરી છે. લોકોનું કહેવું છે કે જો નો-પાકગ ઝોનમાંથી દબાણો દૂર કરી યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, તો જ આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવી શકે તેમ છે. વહીવટી તંત્ર આ બાબતે કડક વલણ અપનાવે તેવી લોક માંગ પ્રબળ બની છે.


