પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં આજે (10મી માર્ચ) ખળભળાટ મચી ગયો હતો. ગોધરાની મુખ્ય પોસ્ટ ઓફિસ અને તેની સાથે જોડાયેલા પાસપોર્ટ સેવા કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ હરકતમાં આવી ગયું છે. અજાણ્યા શખ્સ દ્વારા મોકલવામાં આવેલા ધમકીભર્યા ઈમેલને પગલે સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે.

માહિતી અનુસાર, ગોધરા પોસ્ટ ઓફિસના સત્તાવાર મેઈલ આઈડી પર એક ઈમેલ પ્રાપ્ત થયો હતો, જેમાં બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેને લઈને ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓ જીવ બચાવવા બહાર દોડી આવ્યા હતા. પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટની કામગીરી માટે આવેલા નાગરિકોમાં પણ ભારે ગભરાટ જોવા મળ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા ગોધરા બી-ડિવિઝન પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે સમગ્ર બિલ્ડિંગને ખાલી કરાવીને ઘેરાબંધી કરી લીધી હતી. પોલીસે બિલ્ડિંગના ખૂણેખૂણે તપાસ હાથ ધરી છે. શંકાસ્પદ વસ્તુઓની ચકાસણી કરવામાં આવી રહી છે.


